દિલ્હી-

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળ અને આર્થિક બાબતોની કેબિનેટ સમિતિની બેઠક(CCEA) સમાપ્ત થઈ ગઈ છે. મોદી સરકારે સામાન્ય લોકોના હિતમાં ઘણા મોટા નિર્ણયો લીધા છે. બેઠકમાં પાવર વિતરણ સુધારણાને મંજૂરી આપવામાં આવી હતી અને આ માટે 3.03 લાખ કરોડ રૂપિયાની મંજૂરી પણ આપવામાં આવી છે. આ સુધારા આવતાની સાથે જ આખા દેશમાં 24 કલાક વીજળી મળશે. આ ઉપરાંત ભારત નેટ પ્રોજેક્ટ અંતર્ગત દેશના દરેક ગામોને ઇન્ટરનેટ સાથે જોડવા માટેના ભંડોળને પણ મંજૂરી આપવામાં આવી છે.

આ બેઠકમાં મોદી સરકારે ભારત નેટ પ્રોજેક્ટ માટે 19 હજાર કરોડ રૂપિયાની ફાળવણીને મંજૂરી આપી છે. જણાવી દઈએ કે, આ પ્રોજેક્ટ દ્વારા સરકાર દેશની દરેક ગ્રામ પંચાયતોને બ્રોડબેન્ડ કનેકશનથી જોડી રહી છે.

ભારત નેટ પ્રોજેક્ટ માટે હવે કુલ રકમ 62 હજાર કરોડ

સરકારે આ પ્રોજેક્ટ માટે રૂ. 42 હજાર કરોડ જાહેર કરી દીધા છે. 19 હજાર કરોડ રૂપિયા વધારાના ભંડોળ તરીકે મંજૂર કરવામાં આવ્યા છે. આ રીતે, ભારત નેટ પ્રોજેક્ટ માટે ફાળવવામાં આવેલી કુલ રકમ 62 હજાર કરોડ રૂપિયા થઈ જશે.

પાવર ડિસ્ટ્રિબ્યુશન રિફોર્મથી શું ફાયદો થશે?

પાવર ડિસ્ટ્રિબ્યુશન રિફોર્મ અંતર્ગત સસ્તી દરે વીજ કંપનીઓને લોન ઉપલબ્ધ કરવામાં આવશે. જે પણ કંપનીઓ કાર્યરત છે અથવા આમાંથી સ્માર્ટ મીટર લગાવવાની છે, તેમને લાભ મળશે. આ સાથે, વીજ વિતરણ કંપનીઓ તેમનું દેવું ઘટાડવામાં પણ સક્ષમ બનશે. ભારત નેટ પ્રોજેક્ટ પીપીપી મોડેલ પર કામ કરે છે. સરકાર આ મોડેલ અંતર્ગત ફાળવેલ રકમ જ આપશે. ઉલ્લેખનિય છે કે નાણા પ્રધાન નિર્મલા સીતારામને છેલ્લા રાહત પેકેજમાં આ બંને બાબતોની જાહેરાત કરી હતી. હવે તેના પર મહોર લગાવવામાં આવી છે.

દરેક ગામને ઇન્ટરનેટ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ, 2020ના રોજ જાહેરાત કરી હતી કે બધા ગામોને 1000 દિવસમાં બ્રોડબેન્ડ સાથે જોડવામાં આવશે. નાણાં પ્રધાનના જણાવ્યા અનુસાર 31 મે સુધી, 1,56,223 ગ્રામ પંચાયતોને બ્રોડબેન્ડ નેટવર્ક સાથે જોડવાના કામ માટે 42,068 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે.

ભારત નેટ પ્રોજેક્ટ હેઠળ સરકારે શરૂઆતમાં તમામ 2.52 લાખ ગ્રામ પંચાયતોને બ્રોડબેન્ડ સેવા સાથે જોડવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. આ ગ્રામીણ બ્રોડબેન્ડ કનેક્ટિવિટીનો સૌથી મોટો પ્રોજેક્ટ છે. 'મેક ઇન ઇન્ડિયા' અંતર્ગત તેનો અમલ કરવામાં આવી રહ્યો છે.