ગાંધીનગર- 

ગુજરાતમાં આવનારા બે-ત્રણ મહિનામાં કોર્પોરેશન તથા પંચાયતોની ચૂંટણી યોજાવાની છે, એ પૂર્વે ભાજપ દ્વારા એડવાન્સ એકશન પ્લાન તૈયાર કરી શહેર અને જિલ્લાના મજબૂત શક્તિશાળી વિરોધપક્ષના ચૂંટાયેલા સભ્યો અને આગેવાનો પર નજર દોડાવવાનું શરૂ કરાયું છે. વિધાનસભાવાળી કરવાને બદલે ચૂંટણી પૂર્વે જ નેતાઓને વંડી ઠેકવા માટેનાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે, કેમ કે ૨૦૧૫ની ચૂંટણીમાં ભાજપ માટે જીત મુશ્કેલ હતી, ખાસ કરીને પંચાયત અને પાલિકામાં એટલે કે ગ્રામ્ય વિસ્તારોમાં કાૅંગ્રેસને વધુ બેઠકો મળી હતી.

ગુજરાતમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પહેલાં પ્રદેશ કોંગ્રેસ ફરી એકવાર તૂટવાનાં એંધાણ છે. કોંગ્રેસના કેટલાક સ્થાનિક નેતાઓ ભાજપ તરફ વળી રહ્યા છે અને ટિકિટ માટેની ગોઠવણ પણ કરી રહ્યાં છે. બીજી તરફ, કોંગ્રેસના જે સભ્યો ચૂંટણી જીતી શકે છે તેઓ થોડા સમયમાં ભાજપમાં જાેવા મળી શકે છે. કોરોના સંક્રમણને ધ્યાને રાખીને રાજ્યમાં કોર્પોરેશનો તથા પંચાયતોની ચૂંટણી ત્રણ મહિના પાછી ઠેલવામાં આવી હતી. પંચાયતોની વર્તમાન બોડીની ટર્મ પણ પૂર્ણ થઇ રહી છે.