વડોદરા : સમગ્ર રાજ્યની પોલીસ અને ખુદ રાજ્યના ગૃહમંત્રીને ખડેપગે રાખનાર બાળક શિવાંશના મામલાનો વળાંક લઈ વડોદરા તરફ વળ્યો છે. હવે બાળકના અપહરણ અને હત્યાનો મામલો અત્રેના બાપોદ પોલીસ મથકે નોંધાશે. ત્યજી દેવાયેલા બાળકની ગાંધીનગર પોલીસે તપાસ કરી પિતા સચિનને રાજસ્થાનના કોટાથી ઝડપી પાડયો હતો. સચિનની પૂછપરછ દરમિયાન બાળકની માતા પ્રેમિકા હતી અને લીન ઈનમાં વડોદરા રહેતો હતો. મહેંદી સાથે ઝઘડો થયા બાદ પ્રેમિકાની હત્યા કરી બાળકને લઈને ગાંધીનગર આવી ગયો હતો એવી કબૂલાત કરતાં ગાંધીનગર પોલીસે અત્રે આવી બાપોદ પોલીસની મદદ લઈને પ્રેમિકાનો મૃતદેહ શોધી કાઢયો હતો અને એફએસએલ, ફિંગરપ્રિન્ટ નિષ્ણાોની મદદ લઈ હત્યારા સચિન સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી. ગાંધીનગર નજીક પેથાપુરની સ્વામીનારાયણ ગૌશાળા પાસેથી ૭ ઓક્ટોબરની રાત્રે એક માસૂમ બાળક શિવાંશ મળી આવ્યો હતો. ૮ ઓક્ટોબરના રોજ પોલીસને તેની જાણ થઇ હતી અને શિવાંશના માતા-પિતાની શોધખોળ શરૂ કરાઈ હતી. તેના પિતા સચિન ગાંધીનગરના સેક્ટર-૨૬માં રહેતા હોવાનું બહાર આવ્યું હતું. સચિનની આજે પોલીસ દ્વારા આકરી પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં શિવાંશ નામના બાળકને જન્મ આપનારી માતાની શોધખોળ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે. શિવાંશની માતા હિના ઉર્ફે મહેંદીએ સાથે રહેવાની જીદ કરતાં સચિન દીક્ષિતે તેનું ગળું દબાવી હત્યા કરી હતી અને લાશને સૂટકેસમાં પેક કરી રસોડામાં મુકી ગાંધીનગર ભાગી ગયો હતો.

સચિન અને મહેંદી વડોદરાના દર્શનમ્‌ ઓએસિસના ફ્લેટ નં-જી/૧૦૨માં લીવ ઇનમાં રહેતા હતા. પોલીસ સચિનને લઇને આ ફ્લેટમાં પહોંચી હતી અને તેને સાથે રાખીને તપાસ કરી હતી. એફએસએલની મદદ લઇને પોલીસે તપાસ શરૂ કરી હતી અને ત્યાર બાદ પોલીસ સચિનને લઇને સ્થળ પરથી રવાના થઇ હતી અને મહેંદીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.વડોદરાની ખાનગી કંપનીમાં આસિ.મેનેજર તરીકે નોકરી કરતો સચિન દીક્ષિત શુક્રવારે સાંજે વડોદરાથી ગાંધીનગર પહોંેચીને સ્વામીનારાયણ મંદિરની ગૌશાળા પાસે પોતાના ૧૦ માસના બાળકને બિનવારસી હાલતમાં મૂકી રાજસ્થાન ભાગી ગયો હતો. પોલીસે સીસીટીવીના માધ્યમથી વડોદરાના યુવકને રાજસ્થાનથી ઝડપી પાડયો હતો. આ પહેલા સચિને પત્નીની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે.આ બાળક સચિનની પત્નીનું ન હોવાનું પાડોશીઓએ જણાવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. શુક્રવારે પેથાપુર પોલીસની હદમાં આવેલા સ્વામીનારાયણ ગૌશાળા પાસેથી બિનવારસી હાલતમાં મળેલા ૧૦ મહિનાના બાળકની તપાસ પોલીસને વડોદરા સુધી ખેંચી લાવી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે સચિન દીક્ષિત વડોદરાની ખાનગી ઓજાેન કંપનીમાં નોકરી કરે છે અને તેનું મૂળ વતન ઉત્તરપ્રદેશ છે.

મૃતદેહ ડીકંપોઝ થવાથી હત્યા ત્રણ દિવસ અગાઉ થઈ હોવાનું અનુમાન

સચિને લીવ ઈનમાં રહેતી પ્રેમિકા હિના ઉર્ફે મહેંદીની હત્યા ૯ માસના પુત્ર શિવાંશની સામે જ કરી હતી. મહત્ત્વની વાત તો એ છે કે પોલીસનું અનુમાન છે કે મૃતદેહ ડીકંપોઝ થઈ ગયો હોવાથી હત્યા ત્રણ દિવસ અગાઉ થઈ ગઈ હશે. પરંતુ ફલેટના પાડોશીના ધ્યાન ઉપર કાંઈ અજૂગતું બન્યું હોવાની શંકા સુધ્ધાં ન હતી. જ્યારે આખા ફલેટમાં મૃતદેહની દુર્ગંધ ફેલાઈ ચૂકી હતી. પોલીસના ધાડેધાડા ઉતરી પડતાં દર્શનમ્‌ ઓએસિસ ફલેટના ૬ ટાવરમાં સન્નાટો છવાઈ ગયો હતો અને લોકોના ટોળાં ઉમટી પડયાં હતાં.

સચિન સામે બાપોદ પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધાશે

પ્રેમિકાના હત્યારા સચિન સામે અત્રેના બાપોદ પોલીસ મથકે હત્યા અને બાળકના અપહરણનો ગુનો નોંધાશે એમ પોલીસસૂત્રોએ જણાવ્યું છે. બાળક શિવાંશને ત્યજી દેવાના મામલે ગાંધીનગર પોલીસે સચિન દીક્ષિતને રાજસ્થાનના કોટાથી ઝડપી પાડયો હતો. તેની પૂછપરછ દરમિયાન બાળકની માતા મહેંદી પેથાણીની હત્યા કરી હોવાની કબૂલાત કર્યા બાદ અત્રેના ફલેટમાંથી મૃતદેહ મળી આવતાં બાપોદ પોલીસ મથકે સચિન સામે હત્યા અને બાળકના અપહરણનો ગુનો નોંધવામાં આવશે. આ અંગેની કાર્યવાહી શરૂ થઈ ગઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

 ફ્લેટથી લઇને પાર્કિગ સુધી લોહીના ડાઘા જાેવા મળ્યા

ગાંધીનગરના પેથાપુરની સ્વામીનારાયણ ગૌશાળા પાસે મળેલા શિવાંશની માતાને પ્રેમીએ ગળુું દબાવીને હત્યા કરી નાખી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ત્યાર બાદ પોલીસ આરોપી સચિનને લઇને શહેરના ખોડિયારનગર ખાતે આવેલા દર્શનમ્‌ ઓએસિસ ફ્લેટ ખાતે પહોંચી હતી, જ્યાં બેગમાં પેક કરેલી મહેંદીની લાશ મળી મળી આવી હતી. તપાસ પૂર્ણ થયા બાદ પોલીસ આરોપીને લઇને પોલીસ રવાના થઇ ગઇ હતી. ત્યાર બાદ પોલીસ હિના ઉર્ફે મહેંદીના મૃતદેહને ફ્લેટમાંથી બહાર કાઢ્યો હતો. જેથી ફ્લેટથી લઇને પાર્કિગ સુધી લોહીના ડાઘા જાેવા મળ્યા હતા.