અજય વાટેકર,તા.૧૩

શહેરમાં ચાર નવા પોલીસ મથકો અટલાદરા, અકોટા, કપુરાઈ અને કુંભારવાડા પોલીસ મથકો શરૂ કરવા માટે ગૃહ અને નાણા વિભાગ દ્વારા મંજુરી અપાયા બાદ હવે ચારેય પોલીસ મથકો ટુંક સમયમાં શરૂ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ધમધમાટ શરૂ થયો છે. ચારેય નવા પોલીસ મથકોના હદ-વિસ્તારની સીમા નક્કી કરાયા બાદ હવે તે સંદર્ભે ગૃહ વિભાગ દ્વારા ટુંક સમયમાં સત્તાવાર જાહેરનામુ પણ પ્રસિધ્ધ કરવામાં આવશે તેવી સુત્રોએ સંભાવના વ્યક્ત કરતા ડિસેમ્બર માસમાં આવનારી વિધાનસભાની ચુંટણી અગાઉ ચારેય પોલીસ મથકો સંપુર્ણ પણે કાર્યરત થઈ જશે.

થોડાક સમય અગાઉ શહેરમાં માંજલપુર, બાપોદ,નંદેસરી,હરણી અને વારસિયા પોલીસ મથકો શરૂ કરાયા છે પરંતું છેલ્લા દસકામાં શહેરની વસ્તી સાથે શહેરની હદ હાઈવેથી પણ આગળ વધી જતા અને અગાઉ જિલ્લામાં આવતા વિસ્તારોનો શહેરમાં સમાવેશ થતાં પોલીસ તંત્રને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે હજુ નવા પોલીસ મથકો શરૂ કરવાની ફરજ પડી છે. તાજેતરમાં શહેરમાં વધુ ચાર નવા પોલીસ મથકો અટલાદરા, અકોટા, કપુરાઈ અને કુંભારવાડા શરૂ કરવા રાજ્ય સરકારે મંજુરી આપી હતી અને હવે આ ચારેય પોલીસ મથકોનો હદ વિસ્તાર પણ નક્કી કરી દેવાયો હોવાની ‘લોકસત્તા-જનસત્તા’ને વિગતો સાંપડી છે.

રાજ્યના ગૃહવિભાગ દ્વારા ચારેય પોલીસ મથકોના હદ-વિસ્તાર સંદર્ભે જાહેરનામું પ્રસિધ્ધ કરવા માટે કવાયત હાથ ધરી છે જે મુજબ અટલાદરા પોલીસ મથકમાં અટલાદરા ગામ,કલાલીગામ, ચાણક્ય વુડા, વિશ્વામિત્રી નદી અને નદીનો આખો પટ, સનફાર્મારોડ કેનાલ થઈ રેલવે ટ્રેક સુધીનો પટ્ટાનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત કુંભારવાડા પોલીસ મથક માટે ફતેપુરા ચારરસ્તાથી ગરનાળા ચોકી, હાથીખાના અને આસપાસના વિવિધ ફળિયા, ભુતડીઝાપા મેદાન, હાથીખાના માર્કેટ, તલાટી ઓફિસ થઈ ફતેપુરા ચારરસ્તા સુધીનો અંદરનો તથા રોડ સહિતનો વિસ્તારની ફાળવણી કરાઈ છે.

જયારે કપુરાઈ પોલીસ મથકમાં બાપોદ પોલીસ સ્ટેશથી એકતાનગર પોલીસ ચોકી વિસ્તાર, વાઘોડિયાચોકડીથી હાઈવે તેમજ દરજીપુરા,પાંજરાપોળ સુધીનો પુર્વવિસ્તાર જેમાં એપીએમસી માર્કેટ, સયાજીપુરાગામ, એલ એન્ડ ટી નોલેજ સિટી, આજવાચોકડી,સયાજીપુરા સર્કીટ હાઉસ, તક્ષમોલ થઈ વાઘોડિયા સુધીનો સમગ્ર વિસ્તાર આવરી લેવાયો છે.

તેમજ અકોટા પોલીસ મથક માટે અલકાપુરી નાળાથી આંબેડકર સર્કલ થઈ ચકલી સર્કલ, મલ્હાર પોઈન્ટ, દિવાળીપુરા, મનીષા ચોકડી, અકોટા સ્ટેડિયમ, અકોટા ગાર્ડન ચાર રસ્તા બ્રિજ નીચેની મીરની કોલોની, સુબેદાર કમ્પાઉન્ડ, દિનેશમિલ, જેતલપુર નાળા થી અલકાપુરી નાળા સુધીનો અંદરનો તમામ વિસ્તારનો સમાવેશ કરાયો છે.

નવા ૪ પોલીસ મથકોના કારણે ૧૦ પોલીસ મથકોનું ભારણ હળવું થશે

વિધાનસભાની ચૂટણી અગાઉ શહેરમાં જે નવા ચાર પોલીસ મથકો ટુંક સમયમાં શરૂ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ધમધમાટ શરૂ કર્યો છે તેમાં શહેરમાં હાલમાં કાર્યરત વધુમાં વધુ પોલીસ મથકોમાં કામનુ ભારણ હળવુ થાય તેવા ખાસ પ્રયાસો કરાયા છે. ચાર નવા પોલીસ મથકોની સંભવિત હદ-વિસ્તારના પગલે શહેરમાં હાલમાં કાર્યરત જે.પી.રોડ, માંજલપુર, ગોત્રી , સિટી , વારસિયા, કારેલીબાગ, મકરપુરા, પાણીગેટ, વાડી અને બાપોદ સહિત ૧૦ પોલીસ મથકોના હદ વિસ્તારમાં કમી થતા આ પોલીસ સ્ટેશનો પર કામનું ભારણ હળવુ થશે. ઉલ્લેખનીય છે કે ડીસીબી, મહિલા અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન માટે સમગ્ર શહેર વિસ્તારની હદ યથાવત રહેશે.