અમદાવાદ-

રવિવારે સાંજે છ વાગ્યે પ્રચાર પૂર્ણ થયા બાદ ડોર ટુ ડોર સંપર્ક થઇ શકશે. કોરોના કાળની આ પ્રથમ ચૂંટણીમાં લોકો કેટલા ભયમુકત થઇને મતદાન કરે છે તે ખુબ મહત્વનું બનશે. સૌરાષ્ટ્રમાં મોરબી, ધારી, લીંબડી, ગઢડા, કચ્છની અબડાસા, ગુજરાતની કરજણ, ડાંગ, કપરાડા બેઠક માટે મંગળવારે મતદાન થશે. સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપ કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાય તેવું લાગી રહ્યું છે. આઠ બેઠક પર હાલ 81 ઉમેદવાર વચ્ચે જંગ છે. જેમાં લીંબડી બેઠક પર સૌથી વધુ 14 ઉમેદવાર ચૂંટણી લડે છે. 

ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી તા.3 નવેમ્બરે યોજાનાર છે, જેમાં ભાજપ અને કોંગ્રેસ સહિત અન્ય ઉમેદવારો' થઇને કુલ 80 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. એક વિશ્લેષણ પ્રમાણે 80 ઉમેદવારોમાંથી 14 ટકા ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાં બીટીપી (ભારતીય ટ્રાઇબલ પાર્ટી)ના 2 ઉમેદવારમાંથી 1 ઉમેદવાર, ભાજપના 8માંથી 3 ઉમેદવાર, કોંગ્રેસના 8માંથી 2 જ્યારે અપક્ષના 53માંથી 8 ઉમેદવારો સામે ગુના નોંધાયા છે. આમાંથી બીટીપીનો 1 ઉમેદવાર, ભાજપના 2 ઉમેદવાર અને અપક્ષના 4 ઉમેદવાર ઉપર ગંભીર ગુનાની કલમો લાગેલી છે. 

સર્વે મુજબ, 8 મતક્ષેત્રમાંથી 2 મતક્ષેત્ર અબડાસા અને કરજણમાં 3થી વધુ ઉમેદવારો ઉપર ગુનાઓ દાખલ થતા તે રેડ એલર્ટ મતક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. જેમાં અબડાસામાં ભાજપ અને 2 અપક્ષ જ્યારે કરજણમાં કોંગ્રેસ, બીટીપી અને અપક્ષ મળીને કુલ 6 ઉમેદવારો થાય છે. આ સર્વે મુજબ 8 બેઠકો ઉપરની પેટાચૂંટણી લડતા 80 ઉમેદવારોમાંથી 7 ઉમેદવારો પાસે 5 કરોડથી વધુ, 6 ઉમેદવારો પાસે 2 કરોડથી 5 કરોડ, 15 ઉમેદવાર પાસે 50 લાખથી 2 કરોડ, 19 ઉમેદવાર પાસે 10 લાખથી 50 લાખ જ્યારે 33 ઉમેદવાર પાસે 10 લાખથી ઓછી સંપત્તિ છે. આમ, પેટાચૂંટણી લડતા 80 ઉમેદવારોની સરેરાશ મિલકત 1.16 કરોડ છે. જેમાં કોંગ્રેસના 8 ઉમેદવારોની સરેરાશ મિલકત 4.38 કરોડ, ભાજપના 8 ઉમેદવારોની સરેરાશ મિલકત 2.52 કરોડ, જ્યારે બીટીપીના 2 ઉમેદવારોની સરેરાશ મિલકત 17.85 લાખ અને 53 અપક્ષ ઉમેદવારોની સરેરાશ મિલકત 70.52 લાખ છે. 

ધારી બેઠક ઉપર અપક્ષ તરીકે ચૂંટણી લડતા પીયૂષભાઇ ઠુમ્મર પાસે 10.80 કરોડ, બીજી બાજુ સૌથી વધુ જવાબદારીઓ ધરાવતા ઉમેદવારમાં અબડાસા બેઠક પરના અપક્ષ ઉમેદવાર પઢિયાર હનીફની 7.20 કરોડ, ધારીના અપક્ષ ઉમેદવાર પીયૂષભાઇ ઠુમ્મરની 10 કરોડ જ્યારે મોરબીના કોંગ્રેસના ઉમેદવાર જ્યંતીભાઇ પટેલની 10 કરોડનો સમાવેશ થાય છે.