વડોદરા

ચોમાસામાં પૂરના કારણે પાકને થયેલ નુકસાનનો સર્વે થવા છતાં હજુ ખેડૂતો વળતરથી વંચિત છે. ત્યાં પોર માઈનોર કેનાલના અધિકારીઓની બેદરકારીથી કેનાલ ઊભરાતાં પોર નજીકના ત્રણ ગામોના ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસી જતાં ઊભા પાકને નુકસાન થતાં ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો છે.

પોર પાસે સમસપુરા, કણકુઈ, મુસ્તુપુર ગામડી વગેરે ગામો આવેલા છે. આ ગામના ગ્રામજનો મોટાભાગે ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ વરસે ચોમાસામાં પૂરની સ્થિતિમાં ઊભા પાકને નુકસાન થયું હતું. જાે કે, તંત્ર દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો પરંતુ હજુ નુકસાનનું વળતર આપવામાં આવ્યું નથી. ત્યાં આ ગામ નજીકથી પસાર થતી પોર માઈનોર કેનાલના અધિકારીઓની બેદરકારીથી કેનાલો છલોછલ ભરીને ઊભરાતાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતાં.

ગ્રામજનોએ જણાવ્યું હતું કે, ઊભા પાકમાં ઘૂંટણસમાં પાણી ફરી વળતાં લગભગ ૬૦ વીઘા ખેતરોમાં પાણી ઘૂસી જતાં ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. પોર શાખા માઈનોર કેનાલમાં ઠેર ઠેર ગાબડાં પડતાં પાણીનો વેડફાટ પણ થઈ રહ્યો છે. આમ અધિકારીઓના પાપે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. જેના કારણે ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો હતો.