વડોદરા : એપ્રિલ મહિનાના શરૂઆતથી અંત સુધી આકાશમાંથી અગનવર્ષા શરૂ થવાની સાથે ઉપર આભ અને નીચે ધરતીના સહારે જીવતા નિઃસહાય અને બિનવારસી લોકોની હાલત અસહ્ય ગરમીમાં કફોડી બની છે. આ નિઃસહાય અને બિનવારસી લોકો ગરમી અને ભૂખમરાથી મોતને ભેટી રહ્યા છે. આજે વધુ એક ૭૨ વર્ષીય વૃદ્ધ સહિત બે અજાણી વ્યક્તિઓ મોતને ભેટી હતી. આ બંનેના મૃતદેહો પોલીસે પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડયા હતા.

આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર સોમા તળાવ બેન્ક ઓફ બરોડા સામે આવેલ ગોડાઉનના ઓટલા ઉપર નિઃસહાય પડી રહેતા ૭ર વર્ષીય અજાણ્યા વૃદ્ધ અસહહ્ય ગરમીમાં ભૂખમરો અને ગરમીના કારણે બેભાન હાલતમાં મળી આવતાં પાણીગેટ પોલીસ તેમને સયાજી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તબીબોએ મૃત જાહેર કર્યા હતા.

જ્યારે બીજા બનાવમાં સયાજી હોસ્પિટલ કેમ્પસના સર્જિકલ બિલ્ડિંગની બહાર નિઃસહાય ૩૫ વર્ષીય યુવાનનું ગરમીને કારણે મોત નીપજ્યું હતું. આ બાબતની જાણ રાવપુરા પોલીસને થતાં પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે કોલ્ડરૂમમાં ખસેડયો હતો. આમ, આજે અસહ્ય ગરમીને કારણે બે લોકોના મોત નીપજ્યાં હતાં. આગામી સમયમાં પણ અસહ્ય ગરમીનો પ્રકોપ જારી રહેશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

અસહ્ય ગરમીથી લોકો ત્રાહિમામ્‌ મહત્તમ તાપમાન ૪૨.૨ ડિગ્રી

બદલાતા વાતાવરણ વચ્ચે સૂર્યદેવે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં આકાશમાંથી અગનવર્ષા વરસી રહી છે.તે સિવાય શહેરની વિવિધ હોસ્પિટલોમાં હાર્ટ એટેક , લૂ લાગવાના બનાવો તેમજ ડીહાઈડ્રેશન જેવી બિમારીઓના પ્રમાણમાં વધારો થયો છે. આજે મહત્તમ તાપમાન ૪૦ ડીગ્રી સેન્ટીગ્રેડને પાર જતા સમગ્ર રાજ્માર્ગો સૂમસામ જાેવા મળ્યા હતા. બપોર દરમ્યાન સ્વૈચ્છિક લોક ડાઉન જેવી સ્થિતી જાેવા મળી હતી. વધતી જતી ગરમીને કારણે રાહદારીઓની તરસ છિપે અને તેમને સાંત્વના થાય તે માટે ઠંડા પાણીની પરબો અને છાશ વિતરણના સ્ટોલો પણ ઠેરઠેર જાેવા મળ્યા હતા.પક્ષીપ્રેમીઓ દ્વારા કૂંડા વિતરણ કરવામાં આવી રહ્યુ છે.અસહ્ય તાપના કારણે એસી , કુલરની સાથેે ઠંડા પિણાની ખરીદીમાં પણ વધારો જાેવા મળ્યો હતો. સમગ્ર દિવસ દરમ્યાન મહત્તમ તાપમાન ૪૨.૨ ડીગ્રી સેન્ટીગ્રેડ જ્યારે લધુત્તમ તાપમાન ૨૭ ડીગ્રી સેેન્ટીગ્રેડ નોંધાયું હતું.

વહેલી સવારે ભેજનું પ્રમાણ ૬૪ ટકાની સાથે સાંજે ૨૪ ટકા નોંધાયું હતું. વાતાવરણમાં હવાનું દબાણ ૧૦૦૧.૪ મીલબાર્સ નોંધાયું હતું. તે સિવાય દક્ષિણ - પશ્ચિમ દિશા તરફથી લૂના ગરમ પવનો બાર કિ.મી.ની ઝડપે ફૂંકાયા હતા