07, ઓક્ટોબર 2020
વડોદરા -
ગુજરાત મીડિયા ક્લબે સેન્ટર ફોર કમ્યુનિકેશન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ સાથે મળીને ફોટોગ્રાફી કોમ્પિટિશન ‘પાપા હે તો પોસિબલ હે’નું આયોજન કર્યું હતું. જેના વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. આ કોમ્પિટિશનનું આયોજન ફાધર્સ ડે નિમિત્તે કરાયું હતું. જેનો વિષય ‘ઈટ, પ્લે એન્ડ લવ વિથ પાપા’ રખાયો હતો. ફાધર્સ ડે નિમિત્તે યોજાયેલી વિવિધ વર્ચ્યુઅલ ઇવેન્ટ્સનો આ એક ભાગ હતો. આ ઇવેન્ટના આયોજનમાં ક્રિએટિવ યાત્રા, ગુજરાત યુનિવર્સિટીના સેન્ટર ઓફ એક્સેલન્સ અને યુનિસેફ ઇન્ડિયાનો પણ સહકાર મળ્યો હતો.
આ માટે યોજાયેલા વર્ચ્યુઅલ વાર્તાલાપમાં બાળ ઉછેરમાં પુરુષોની ભાગીદારીના મહત્વ વિશે તજજ્ઞોએ ચર્ચા કરી હતી. સાથે બદલાતા સમય સાથે પિતૃત્વના કેટલાક રંગો ડિજિટલ કોમ્પિટિશનમાં જોવા મળ્યા હતા. પાપા હૈતો પોસિબલ હે ઝુંબેશ દ્વારા બાળ ઉછેરમાં પિતાની બદલાતી ભૂમિકા અને નવી જવાબદારીઓ જેવી કે, રસોઇ,બાળકોની સંભાળ, ઘરકામમાં બાળકોની મદદ લેવી વગેરેને તેઓ કેવી રીતે નિભાવી રહ્યા છે તે દર્શાવવામાં આવ્યું હતું. આ કોમ્પિટિશનમાં ૧૦૦થી પણ વધારે એમેચ્યોર અને પ્રોફેશનલ ફોટોગ્રાફર્સે ભાગ લીધો હતો. જૂરી દ્વારા પસંદ કરાયેલા વિજેતાઓમાં પ્રથમ વિજેતા: સિદ્ધરાજ સોલંકી, દ્વીતિય વિજેતા : ઘનશ્યામ કહાર, તૃતિય વિજેતા: સ્તુતિ પ્રજાપતિ. પ્રથમ આશ્વાસન ઇનામ: જયેશ પરમાર, દ્વીતિય આશ્વાસન ઇનામ: કરણ મેસરાનીનો સમાવેશ થાય છે.આ ફોટોગ્રાફરોએ તેમના કેમેરા લેન્સની મદદથી પિતા પુત્રના સંબંધના મૂળતત્ત્વ સુધી પહોંચવા મથામણ કરી હતી.સંશોધનોને અંતે એવું તારણ નિકળ્યું છે કે જ્યારે બાળકના શરૂઆતના વર્ષોમાં જ જો પિતા તેની સાથે એક નાતો જોડવામાં સફળ રહે તો તે બાળકોના ઉછેરમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવી શકે છે.