13, માર્ચ 2025
નડિયાદ, સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમનું વિશેષ મહત્વ છે. આવતીકાલે શુક્રવારે પૂનમ હોવા છતાં આજથી જ ભક્તોનો પ્રવાહ શરૂ થઈ ગયો છે. મંદિર પરિસર ‘જય રણછોડ, માખણ ચોર’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું છે.વહીવટી તંત્ર અને પોલીસે ભક્તોની સુવિધા માટે ખાસ વ્યવસ્થા ગોઠવી છે.૪૪ આડબંધ બનાવીને વારાફરતી દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યાર સુધીમાં બે લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ડાકોરના ઠાકોરના દર્શન કર્યા છે. સમગ્ર ગુજરાતમાંથી હજારો ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા છે. ૧૩ માર્ચ ગુરુવારે ફાગણ સુદ ચૌદસના રોજ વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૫ વાગે મંગળા આરતી, સવારે ૮ વાગે શણગાર આરતી, બપોરે ૨ વાગે રાજભોગ આરતી, સાંજે ૬ વાગે ઉત્થાપન આરતી અને રાત્રે ૮:૧૫ વાગે શયનભોગ આરતી થશે. ત્યારબાદ નિત્યક્રમ અનુસાર સેવા અને સખડીભોગ બાદ ઠાકોરજી પોઢી જશે.