વડોદરા, તા. ૭

શહેર નજીક વડદલા ગામમાં આવેલી એસટી વિભાગના નિવૃત્ત કર્મચારીના રહેણાંક જમીનના પ્લોટ પર છેલ્લા વીસ વર્ષથી કબજાે જમાવી જમીન પચાવી પાડનાર માથાભારે શખ્સ સામે વરણામા પોલીસે લેન્ડ ગ્રેબીંગ હેઠળ ફરિયાદ નોંધી તેની આજે ધરપકડ કરી હતી.

વારસિયા વિસ્તારમાં તિવારીની ચાલીમાં પરિવાર સાથે રહેતા ૬૩ વર્ષીય પ્રકાશભાઈ કિશનદત્ત તિવારીગત ઓગસ્ટ-૨૦૧૬માં ગુજરાત એસટી નિગમમાંથી નિવૃત્ત થયા છે. તેમના પિતાની વડીલોપાર્જીત જમીન વડદલા ખાતે આવેલી છે જે જમીન રહેણાંક જમીનનો પ્લોટ છે. તેમના પિતાનું ૨૦૦૭માં અવસાન થતા આ પ્લોટવાળી જમીન વારસાઈ હક્કે તેમને મળી છે જેના રેવન્યુ રેકર્ડ પર તેમનું નામ દાખલ થયેલું છે અને આ જમીન પ્રકાશભાઈ કે તેમના પિતાએ કોઈને વેચાણ કે અન્ય રીતે આપેલી નથી. ગત ૨૦૧૯-૨૦નો વેરો પણ પંચાાયત ઓફિસમાં પ્રકાશભાઈ દ્વારા ભરવામાં આવ્યો છે.

જાેકે વડદલામાં રહેતા જયંતિ મગનભાઈ રાજપુત (દુધવાળા)એ તેમની ઉક્ત વડદલાવાળી જમીન પર છેલ્લા ૨૦ વર્ષથી ગેરકાયદે કબજાે જમાવી રાખી ત્યાં પોતાના દુધાળા ઢોરો બાંધ્યા છે અને ૫૦થી વધુ ડાંગરની બોરીઓ ભરી રાખી આ જગ્યા પર લોખંડના એંગલો અને અન્ય સામાન કાટમાળ મુકી રાખી જમીન પચાવી પાડી છે તેમજ જમીનના પાછળના ભાગે ઉકરડો બનાવી તેનો ગેરકાયદે ઉપયોગ કરતા હોઈ તેના વિરુધ્ધ પ્રકાશભાઈએ કલેકટર કચેરીમાં ગુજરાત લેન્ડ ગ્રેબીંગ એક્ટ-૨૦૨૦ મુજબ કાર્યવાહી કરવા માટે અરજી કરી હતી.

આ અંગે કલેકટર કચેરી દ્વારા ફરિયાદ દાખલ કરવા માટે હુકમ થતા વરણામા પોલીસે આરોપી જયંતી મગનભાઈ રાજપુત સામે લેન્ડગ્રેબીંગ હેઠળ ગુનો નોંધી તેની ગઈ કાલે અટકાયત કરી હતી. જયંતીનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવતા પોલીસે આજે તેની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે લેન્ડગ્રેબીંગ કાયદો બન્યાના ટુંકા સમયગાળામાં જ વરણામા પોલીસ મથકમાં લેન્ડગ્રેબીંગનો આ બીજાે ગુનો નોંધાયો છે.