વોશિંગ્ટન- 

અમેરીકામાં આમ તો બે મહિના પહેલાં જ નક્કી થઈ ગયું હતું કે, દુનિયાના સૌથી શક્તિશાળી રાષ્ટ્રના આગામી પ્રમુખપદે ડેમોક્રેટીક પક્ષના જાે બાયડેન ચૂંટાવાના છે. છતાં રીપબ્લીકન પક્ષના હાલના જીદ્દી સ્વભાવના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે પોતાની અપેક્ષાથી વિરુદ્ધની આ હાર પચાવવી મુશ્કેલ હોવાથી તેમણે અનેક રાજ્યોમાં ચૂંટણીના પરીણામોને પડકારતી અરજીઓ કરીને ચૂંટણી પ્રક્રિયા જે પહેલેથી જ ગૂંચવાડા ભરેલી હતી તેને વધારે ગૂંચવી નાંખી હતી.

છતાં આખરે જ્યારે જાહેર થઈ ગયું કે જાે બાયડેનને ૩૦૬, જ્યારે ટ્રમ્પને ૨૩૨ મત મળ્યા છે, ત્યારે ટ્રમ્પે ચૂંટણીમાં મતગણતરી દરમિયાન ભારે ગોટાળા થયાના આક્ષેપો કર્યા હતા. ટ્રમ્પે અનેકવાર ગર્ભિત નિવેદનો કરીને તોફાનોની ચિમકી પણ ઉચ્ચારી હતી. આખરે જ્યારે બુધવારે ખરેખર તોફાનો ફાટી નીકળ્યા ત્યારે જણાયું કે, અમેરીકન સુરક્ષા એજન્સીઓ ટ્રમ્પના ટેકેદારોના પ્લાન સમજવામાં નાકામ રહી હતી.

સંસદમાં પણ ટ્રમ્પ પાછળ પડી ગયા

એરીઝોના અને પેન્સિલ્વેનિયામાં બાયડેનની જીત સામે વાંધો ઉઠાવાયો હતો, પણ કોંગ્રેસે તે વિવાદને નકારી કાઢ્યો. સેનેટમાં પરીણામો પરનો વાંધો પ્રતિનિધિગૃહ યાને હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટીવ્ઝમાં પહોંચતાં ત્યાં પણ તેને નકારી દેવાયો. સેનેટમાં તો ટ્રમ્પને ભારે પછડાટ ખાવી પડી. તેમના સમર્થનમાં માત્ર ૬ જ્યારે વિરોધમાં ૯૩ મત પડ્યા. પેન્સિલ્વેનિયામાં રીપબ્લિકન સાંસદ જાે હૈલેએ પહેલાં જ આ બાબતે વિરોધ કર્યો હતો, પરંતુ તેમને ત્યારે બાકીના સભ્યો દ્વારા સમર્થન નહોતું મળ્યું.

ખુદ ટ્રમ્પના સાંસદે જ ટ્રમ્પ પર આરોપ મૂક્યો

બુધવારના તોફાનો બાબતે ટ્રમ્પના જ પક્ષના એટલે કે રીપબ્લિકન પક્ષના જ સેનેટર મીટ રોમનીએ કહ્યું હતું કે, હું આ ઘટનાની ટીકા કરું છું.મને એ વાતની શરમ છે કે, આપણા રાષ્ટ્રપતિએ ખુદ તોફાનીઓને સંસદમાં ઘૂસી જવા ઉશ્કેર્યા. લોકતંત્રમાં જીત અને હારને સ્વીકારવા માટે હિંમત જાેઈએ. તોફાની તત્વોને ચોખ્ખો મેસેજ છે કે, તેઓ સત્ય સ્વીકારી લે. હું આશા રાખું છું કે, મારા પક્ષના લોકો પણ લોકતંત્રને બચાવવા માટે આગળ આવશે.

ટ્રમ્પને હટાવવા બાબતે મિડિયાનો દાવો

એક મિડિયાએ એવો દાવો પણ કર્યો હતો કે, ટ્રમ્પ કેબિનેટના કેટલાંક સભ્યોએ એક તાકીદની બેઠક કરી હતી અને ટ્રમ્પને સંવિધાનની ૨૫મી કલમ હેઠળ હટાવી શકાય કે કેમ, તેના પર વિચારણા કરાઈ હતી. જાે કે, આ બાબતે હજી સુધી કોઈ જાહેરાત કરાઈ નથી.

કેપિટલ હિલમાં હિંસા

બુધવારે પ્રમુખપદની ચૂંટણીની મતગણતરી અને તેના પરીણામો પર મહોર મારવા માટે એચઓઆર યાને પ્રતિનિધિગૃહની બેઠક થઈ હતી, એ દરમિયાન જ સંસદની બહાર સેંકડોની સંખ્યામાં ટ્રમ્પના ટેકેદારો ધસી ગયા હતા. ટ્રમ્પ અને રીપબ્લીકન ટેકેદારો સેંકડોની સંખ્યામાં સંસદની બહાર કોલાહલ કરવા લાગ્યા અને સુરક્ષા ગાર્ડ કે પોલીસ તેમને કંઈ સમજાવે એ પહેલાં તો તેઓ સંસદભવનમાં ઘૂસી ગયા હતા અને તોડફોડ શરુ કરી દીધી હતી. આ તોફાન દરમિયાન ગોળીબાર પણ થયો હતો અને એ ગોળીબાર કોણે કર્યો એ હજી જાણી નથી શકાયું છતાં, એમાં એક મહિલાનું મોત થયું હતું.

છેલ્લા સમાચાર સુધી

હાલમાં બંને સભાગૃહમાંથી તોફાની તત્વોને બહાર કાઢી મૂકાયા છે અને સાંસદોને સુરક્ષિત સ્થળે મોકલી અપાયા છે. થોડીવાર બાદ તેઓ ફરીથી સંસદભવનમાં પહોંચતા સંસદની કાર્યવાહી ફરી શરૂ થઈ છે.

અમેરીકી ઈતિહાસનો કાળો દિવસ


ટ્રમ્પની સૌથી વધારે ફજેતી ત્યારે થઈ જ્યારે તેમના જ પક્ષના ઉમેદવાર અને ઉપપ્રમુખ માઈક પેંસે તેમની આકરી ટીકા કરી. ચૂંટણી પરીણામોની ચર્ચા કરવા અને તેને માન્યતા આપવા માટે જ્યારે બંને ગૃહોની સંયુક્ત બેઠક મળે છે ત્યારે, તેના અધ્યક્ષપદે ઉપરાષ્ટ્રપતિ હોય છે અને હાલમાં ટ્રમ્પના જ પક્ષના ઉપરાષ્ટ્રપતિ માઈક પેંસ આ બેઠકના અધ્યક્ષ હતા. ટ્રમ્પના ટેકેદારોની હિંસાથી તેઓ ખૂબ જ વ્યથિત હતા અને તેમણે પોતાનો રોષ ઠાલવતાં ત્યાં સુધી કહી નાંખ્યું હતું કે, બુધવારનો દિવસ અમેરીકન ઈતિહાસનો સૌથી કાળો દિવસ છે.હિંસાથી લોકતંત્રને દબાવી ન શકાય. એ અમેરીકન પ્રજાના ભરોસાનું કેન્દ્ર છે અને રહેશે.

સેનાના ગાર્ડને તૈનાત કરવા પડ્યા


કેપિટલ હિલમાં સ્થિતી એટલી હદે વણસી ગઈ હતી કે, સ્થિતીને કાબુમાં લેવા માટે ખાસ સેનાના ગાર્ડોને તૈનાત કરવા પડ્યા હતા. આ માટે યુએસ આર્મીના ખાસ યુનિટને બોલાવવામાં આવ્યું હતું. આ યુનિટે માત્ર ૨૦ મિનિટની અંદર જ નિયંત્રણ મેળવી લીધું હતું. કેપિટલ હિલની અંદર-બહાર ૧૧૦૦ જેટલા સેનાના જવાનો પહેરો ભરે છે અને રાજધાનીમાં કરફ્યુ લાદી દેવાયો છે.

ફેસબૂકે વિડિયો હટાવ્યો, ટિ્‌વટરે ટ્રમ્પ પર પ્રતિબંધ મૂકી દીધો


વોશિંગ્ટનમાં હિંસા ફાટી નીકળ્યા બાદ ફેસબૂકે ટ્રમ્પનો વિડિયો હટાવી લીધો હતો, જેમાં તેઓ પોતાના ટેકેદારોને સંબોધિત કરી રહ્યા હતા. ફેસબૂકના વાઈસ પ્રેસિડન્ટે કહ્યું હતું કે, એમ કરવાથી હિંસાને કાબુમાં લેવામાં મદદ મળશે. બીજીબાજુ, ટિ્‌વટરે પણ ટ્રમ્પના એકાઉન્ટને સસ્પેન્ડ કરી દીધું હતું.