અરવલ્લી,તા.૧૩     

કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણના પગલે વેપારીઓ વધુ ઘરાકી મેળવવાના બદલે સલામતી જાળવવા પ્રયત્ન કરી રહ્યા છે. દુકાન પર ઘરાકોની ભીડ જામતી જોઈને ખુશ થવાના બદલે વેપારીઓ હવે સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ જોઈને ગભરાઈ રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓ નોંધાઈ રહ્યા છે. જિલ્લામાં હાલ દરરોજ ૩થી ૭ કેસ નોંધાઈ રહ્યા છે. જિલ્લામાં કોરોના મુક્ત રહેલા માલપુર નગર અને તાલુકામાં કોરોનાના સંક્રમણને ખાળવા વેપારીઓએ સ્વયંભૂ બપોરે બે વાગ્યા સુધી ધંધા-રોજગાર ચાલુ રાખવા સામુહિક નિર્ણય લીધો છે. બપોરે બે વાગ્યા પછી માલપુર નગરમાં સ્વયંભૂ કર્ફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો.અરવલ્લી જિલ્લામાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. જિલ્લામાં હાલ દરરોજ સરેરાશ ૩થી ૭ કોરોના પોઝેટીવ કેસ વધતા જાય છે. અનલોક - ૨ પછી જિલ્લાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. તંત્ર દ્વારા સંક્રમણ ન ફેલાય તે માટે કોઈ જ તકેદારી લેવામાં આવતી નથી ત્યારે વેઓરીઓએ અને જનતાએ સ્વયં બજારો નિયત સમય સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જિલ્લાના તમામ તાલુકામાં કોરોનાના કેસો આવ્યા છે.