વડોદરા : માંજલપુર પોલીસ મથકના જવાને ચલાવેલી લૂંટના બનાવ અંગેના સમાચારની શાહી હજુ સુકાઈ નથી ત્યાં શહેર નજીકના કલાલી ગામે સ્કોર્પિયો કાર લઈને ઘૂસી ગયેલા પીધેલા યુવાનોએ પોલીસ તરીકે ઓળખ આપી નિર્દોષણ લોકોની મારઝૂડ કરી હતી. બાદમાં ગ્રામ્યજનોને શંકા જતાં અસલી પોલીસને ફોન કરતાં યુવાનો ભાગી છૂટયા હતા. પરંતુ માંજલપુર પોલીસે ઝડપી પાડી સ્કોર્પિયો કાર જપ્ત કરી છે. ચાર પૈકી એક પીસીઆર વાનનો ખાનગી ડ્રાઈવર હોવાનું બહાર આવ્યું છે. 

આ બનાવ અંગે કલાલી ગામે રહેતા જયદીપસિંહ સુરેશભાઈ વાઘેલાએ માંજલપુર પોલીસ મથકે લેખિત ફરિયાદ આપ્યા બાદ પોલીસે રાત્રે છોડી મૂકેલા યુવાનોની શોધખોળ હાથ ધરી છે. ગુરુવાર રાત્રે ૧૧ વાગે કલાલી ગામમાં સિલ્વર કલરની સ્કોર્પિયો કાર નં. જીજે-૦૬ સીએમ ૦૩૩૫ લઈ પૂરપાટ ઝડપે ધસી આવેલા ચાર યુવાનોએ અમે પોલીસ છીએ, તમે કેમ બહાર બેઠા છો એમ કહી એક બહેરામૂંગા યુવાનને ઢોરમાર માર્યો હતો. માર મારતાં ગભરાયેલા યુવકે બૂમાબૂમ કરી મુકી હતી, જે સાંભળી આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને એક જાગૃત યુવકને શંકા જતાં એને પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરતાં તરત જ માંજલપુર પોલીસ કલાલી તરફ આવવા રવાના થઈ હતી. પરંતુ એ પહેલાં પોલીસની ઓળખ આપનારા ચારેય પીધેલા યુવકો સ્કોર્પિયો લઈ ભાગી છૂટયા હતા એ સમયે નંબરના આધારે માંજલપુર પોલીસે એમને માર્ગ વચ્ચેથી ઝડપી લઈ પોલીસ મથકે લઈ ગયા હતા.

રાત્રિના ૧ર વાગ્યાથી સ્કોર્પિયો કારમાં સવાર ચારેય યુવકોને વહેલી સવાર સુધી પોલીસ મથકે બેસાડી રાખ્યા હતા પરંતુ કલાલી ગામમાંથી કોઈ ફરિયાદ નહીં મળતાં પોલીસે વહેલી સવારે તમામ યુવકોને છોડી દીધા હતા. એ અગાઉ પોલીસે સ્કોર્પિયો કારની માલિકી અંગે આરસી બુક અને વીમાના કાગળો માગતાં યુવકો રજૂ કરી શક્યા નહીં હોવાથી માંજલપુર પોલીસે કાગળિયાં બતાવી કાર છોડાવી જવા જણાવી ચારેયને રવાના કર્યા હતા. શુક્રવારે મોડી સાંજ સુધીમાં માંજલપુર પોલીસ મથકે બનાવ અંગે કોઈ ગુનો દાખલ કરવામાં નહીં આવતાં અનેક સવાલો ઊભા થયા છે.

ચાર પૈકી એક પીસીઆર વાનનો ખાનગી ડ્રાઈવર

સ્કોર્પિયો કારમાં નકલી પોલીસ બની આવેલા ચારેય યુવકનો પૈકી એક શહેર પોલીસની પીસીઆર વાનનો ખાનગી ડ્રાઈવર હોવાનું કહેવાય છે અને એટલા માટે જ એને વગ વાપરતાં પીધેલા હોવા છતાં યુવકોને કોઈ જ પ્રકારની કાર્યવાહી કે પૂછપરછ વગર છોડી દીવાયા હતા. ત્યારે સ્કોર્પિયો કાર નંબર જીજે-૦૬ સીએમ ૦૩૩૫ની માલિકી કોની છે? એ અંગે પોલીસ તપાસ કરે તો ચોંકાવનારી માહિતી બહાર આવી શકે એમ છે.