અમદાવાદ, ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન પહેલાં રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણીનાં પરિણામ જાહેર કરવાની જાહેરાત કરાઈ છે. આ ર્નિણય સામે થયેલી અરજી પર સુનાવણી પૂરી થતાં ગુજરાત હાઈકોર્ટ ચુકાદો અનામત રાખ્યો હતો. હાઈકોર્ટ આવતી કાલે શુક્રવારે આ મુદ્દે તેનો ચુકાદો આપશે.

હાઈકોર્ટમાં અરજદારની રજૂઆત હતી કે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી એક જ તારીખે રાખવામાં આવે. નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીના મતદાન પહેલાં મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થશે તો તેનાં પરિણામોની અસર પછી યોજાનારી ચૂંટણી પર પડશે. આ ર્નિણયના કારણે મુક્ત અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયા પ્રભાવિત થઈ શકે છે અને મતદારોને અસર થવાની સંભાવના છે. મુક્ત અને ન્યાયી ચૂંટણી સંભવ બની શકે એ માટે મતગણતરી એક જ દિવસે રાખવાનો ર્નિણય લેવાવો જાેઈએ.રાજ્ય ચૂંટણી પંચની રજૂઆત હતી કે ૨૦૦૫થી રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી બે તબક્કામાં કરાય છે. રાજ્યમાં એક જ તારીખે મતગણતરી રાખીએ તો બહુ મોટો સ્ટાફ રાખવો પડે. અધિકારીઓને દરેક સ્થળ પર ધ્યાન રાખવામાં અગવડતા પડે. સામાન્ય રીતે મતગણતરી માટે એક જ રૂમમાં ૧૪ ટેબલ રાખવામાં આવે છે.