20, જાન્યુઆરી 2025
વિનોદ શાહ |
નૈઋત્ય દિશા! વાસ્તુની તમામે તમામ આઠ દિશાઓમાં જાે ઈશાન દિશા સૌથી શુભ છે તો તેની બિલકુલ સામેની નૈઋત્ય દિશા સૌથી અશુભ છે! ઈશાન દિશા ધર્મની દિશા છે તો નૈઋત્ય દિશા ‘અર્થ’ એટલે કે નાણાંની દિશા છે. આમ અશુભ હોવા છતાં નૈઋત્ય દિશાનું પોતાનું એક નાણાંકીય મહત્ત્વ છે. તમારી કમાણી દુનિયાની કોઈ પણ દિશામાંથી આવતી હોય, તમારે જાે એનો બરાબર સંગ્રહ કરવો હોય તો એને નૈઋત્યમાં જ જમા કરવી જાેઈએ! એ જ રીતે તમારા ઘરની સોના તેમજ ચાંદી જેવી કિંમતી ધાતુઓનો જાે તમારે સંગ્રહ કરવો હોય તો તેમના માટે પણ નૈઋત્ય દિશા જ સૌથી ઉત્તમ દિશા છે!
આમ એક તરફ નૈઋત્ય સૌથી અશુભ દિશા છે તો બીજી તરફ ઘરના સુવર્ણ તથા સંપત્તિના સંગ્રહ માટે તે જ સૌથી ઉત્તમ દિશા છે! આનું કારણ છે નૈઋત્ય દિશાનો સ્વામી ગ્રહ રાહુ! આમ તો રાહુ પણ અતિ અશુભ ગ્રહોમાંનો જ એક છે પરંતુ તે સંગ્રહનો કારક પણ છે. તેમાં પણ સોના-ચાંદી જેવી મોંઘી જણસોનો સંગ્રહ એને સૌથી વધારે ગમે છે. મોટી રકમને સંગ્રહી રાખવામાં પણ રાહુ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
નૈઋત્ય દિશાની બીજી ખાસ બાબત છે તેનું પૃથ્વી તત્ત્વ. પાંચેય તત્ત્વોમાં પૃથ્વી તત્ત્વ સ્થિરતાનું તત્ત્વ મનાય છે. એટલે કે નૈઋત્યમાં રાખવામાં આવેલાં સુવર્ણ તથા સંપત્તિને રાહુ સંગ્રહી રાખે છે અને પૃથ્વી તત્ત્વ તેમને સ્થિરતા આપે છે. સારાંશ એ છે કે તમારા ઘરની નૈઋત્ય દિશામાં તમારી જણસો તથા નાણાં લાંબી મુદત સુધી ઘરમાં સંગ્રહાઈ રહેવાની સાથે સ્થિર પણ રહે છે! અહીં લક્ષ્મી આવતી વધારે દેખાય છે અને જતી ઓછી દેખાય છે!
જે વાત ઘરના વાસ્તુને લાગુ પડે છે તે જ શેરબજારને પણ લાગુ પડે છે. તમારી કમાણીના સંગ્રહ માટે તમારા કાર્યાલયની નૈઋત્ય દિશા સૌથી મહત્ત્વની છે. જાે કે અહીં એક બહુ મોટો તફાવત પણ છે. શેરબજારમાં રોકડ રકમની લેવડદેવડ ભાગ્યે જ થાય છે. બધા સોદાઓ કોમ્પ્યુટર કે ફોન પર થાય છે. આથી અહીં રોકડ રકમની આવક-જાવકની શક્યતા સૌથી ઓછી રહે છે. બીજું કે આપણે ઘરના સોના-ચાંદીના દાગીના કે મોટી રકમ કાર્યાલયમાં તો રાખવાના નથી. આ સ્થિતિમાં કાર્યાલયની નૈઋત્ય દિશા ધન-સંપત્તિના સંગ્રહમાં કે સ્થિરતામાં બહુ ઓછો ભાગ ભજવે છે.
આ રીતે જાેતાં એ દરેક વ્યવસાયમાં નૈઋત્યનું વાસ્તુ સૌથી વધારે ભાગ ભજવે છે જેમાં રોકડ રકમની લેવડદેવડ સૌથી વધારે થતી હોય. ઓનલાઈન મની ટ્રાન્સફરના કિસ્સામાં પણ તે એટલો જ અગત્યનો ભાગ ભજવે છે પરંતુ જ્યાં રોકડ રકમના કોઈ વહેવાર નથી ત્યાં નૈઋત્યનું વાસ્તુ એટલું ફાયદાકારક સાબિત થતું નથી. આ સિવાય એક અન્ય બાબત પણ બહુ મહત્ત્વની છે. રાહુ જુગારીઓ ગ્રહ છે. શેરબજારમાં તે સટ્ટા તરફ દોરી જાય તેમ પણ બને. ઉપરાંત રાહુ બહુ છેતરામણો ગ્રહ છે. તે તમને ચાર સોદામાં સારી એવી કમાણી કરી આપીને પાંચમા સોદામાં એવી ખતા ખવડાવશે તમે અગાઉના ચાર સોદાનો નફા ઉપરાંત ઘરની પણ સારી એવી રકમ ગુમાવશો. મારા જ એક ગ્રાહકે ચાર સોદામાં ચાલીસ લાખનો પ્રોફિટ બુક કર્યો અને પાંચમા સોદે સિત્તર લાખની લોસ મેળવી. આમ એણે ઘરના ત્રીસ લાખ ગુમાવ્યા.
કેટલોક લોકો કહે છે કે નૈઋત્યનું વાસ્તુ વેપારમાં સ્થિરતા આપે છે અને શેરબજારમાં તે સૌથી વધારે અગત્યની વાત છે. એમની વાતમાં તથ્ય ઓછું, તર્ક વધારે છે. રાહુના પૃથ્વી તત્ત્વ કરતાં વૃષભ રાશિના શુક્રનું અને કન્યા રાશિના બુધનું પૃથ્વી તત્ત્વ વધારે ફળદાયક સાબિત થાય છે. બીજું કે બુધ અને શુક્ર મૂળભૂત રીતે પણ શેરબજારમાં કમાણી કરી આપતા ગ્રહો છો.
આમ છતાંય કોઈને જાે નૈઋત્યનું વધારે આકર્ષણ હોય તો એણે દક્ષિણ દિશામાં કાર્યાલય રાખીને નૈઋત્ય દિશામાં એ રીતે તિજાેરી ગોઠવવી જાેઈએ જે ઉત્તરમાં ખૂલતી હોય. ઉત્તર એ ધનની દિશા છે. ત્યાંથી આવતા શુભ અણુઓ દક્ષિણ દિશાને વધારે ફળશે અને નૈઋત્યની તિજાેરી એ શુભ અણુઓ દ્વારા મળતી લક્ષ્મીનો સારો એવો સંગ્રહ કરવાની સાથે તેને સ્થિરતા પણ આપશે. એટલે કે શેરબજારમાં જાે નૈઋત્યનો લાભ લેવો હોય તો દક્ષિણમાં પોતાનું કાર્યાલય રાખો અને ત્યાં બેસીને નૈઋત્યના કારકત્વનો પૂર્ણ લાભ લો!