દિલ્હી-

ભારતમાં ફરી એકવાર 47 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ એપ્લિકેશન્સ થોડા સમય પહેલા પ્રતિબંધિત એપ્લિકેશનોના ક્લોનનું કામ કરી રહી હતી. સરકારે અગાઉ ઘણી લોકપ્રિય એપ્લિકેશનો સહિત 59 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.આમાં ટિક ટોક, વી ચેટ, અલી બાબાની એપ્સ યુસી ન્યૂઝ અને યુસી બ્રાઉઝર શામેલ છે. સરકારી સુત્રોના જણાવ્યા અનુસાર, આવી 250 જેટલી ચાઇનીઝ એપ્સ છે જેની રાષ્ટ્રીય સુરક્ષાના ભંગ અંગે તપાસ થઈ શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ચાઇનીઝ એપ્લિકેશન્સની નવી સૂચિ તૈયાર કરવામાં આવી રહી છે અને તેમાં કેટલાક ટોચના ગેમિંગ એપ્લિકેશનો શામેલ છે. શક્ય છે કે આગળની સૂચિ પછી ભારતમાં ઘણી લોકપ્રિય ચાઇનીઝ રમતો પર પણ પ્રતિબંધ લગાવી શકાય.રિપોર્ટ અનુસાર, આ વખતે 200 થી વધુ એપ્સની સૂચિ બનાવવામાં આવી રહી છે, જેમાં પબજી અને અલી એક્સપ્રેસ જેવી લોકપ્રિય એપ્સનો સમાવેશ છે. ભારતમાં આ એપ્સના કરોડો યુઝર્સ છે.

રિપોર્ટ અનુસાર આ એપ્સ કથિત રીતે ચીન સાથે ડેટા શેર કરી રહી છે અને તેના કારણે સરકારી એજન્સીઓ તેમની સમીક્ષા કરી રહી છે. હાલમાં સરકાર દ્વારા નવા એપ્લિકેશન પ્રતિબંધ અંગે કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.હવે સવાલ એ છે કે, શું આ વખતે પબજી પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે? કારણ કે પબજીના ઘણા જોડાણો ચીન સાથે જોડાયેલા છે, જો કે આ એપ્લિકેશનને સંપૂર્ણ ચિની કહી શકાતી નથી.