ગાંધીનગર

ભારે ગરમીના ઉકાળા બાદ આખરે રાજ્યમાં ચોમાસું જામ્યું છે.રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી વચ્ચે રવિવારે અનેક જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો. સવારથી સાંજ સુધીમાં જ રાજ્યના 197 જેટલા તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જેમાં છોટાઉદેપુર અને રાજકોટના લોધિકામાં 7 ઈંચ વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લાના કપરાડામાં પાંચ ઇંચ વરસાદ પડ્યો છે.

આજે મહીસાગર, છોટા ઉદેપુર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, નર્મદા, વલસાડ, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, મહેસાણા, ખેડા, ડાંગ, તાપી, નવસારી, અમરેલી, દ્વારકા અને દીવમાં આજે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો 28 ટકા વરસાદ વરસી ચુક્યો છે.

જામનગર જિલ્લાના કાલાવડના મુળિયા, લતિપુર, નપાણીયા, ખીજડીયા, ડેરી, નાના વડાળા, અને ગુંદા પંથકમાં નદી નાળા છલકાયા. જામનગરના જામજોધપુર તાલુકાના નરમાણા ગામે બપોર બાદ આભ ફાટતા 3 કલાકમાં 10 ઇંચ વરસાદથી ગામમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી હતી. કાલાવડમાં પણ બપોરે 2 થી 6 એટલે કે 4 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકયો હતો. ધ્રોલ અને જોડિયા તાલુકામાં 3 ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે છોટાઉદેપુર તાલુકામાં 7.5 ઇંચ, ક્વાંટ તાલુકામાં 6.73 ઇંંચ વરસાદ ખાબક્યો હતો.રાજકોટના ઉપલેટા તાલુકાના લાઠ અને આસપાસના ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. સાત ઈંચ જેટલો ધોધમાર વરસાદ વરસતા ચારેય તરફ પાણી પાણી થઈ ગયું છે.

હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં 30 જુલાઈ સુધી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થવાની સંભાવના છે. મધ્ય ગુજરાતમાં હજી વરસાદની ઘટ જોવા મળી રહી છે. બંગાળના અખાતમાં સર્જાયેલા લો પ્રેશર તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે માછીમારોને હાલમાં દરિયો નહીં ખેડવાની પણ સૂચના આપી છે. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને દૂર જતા રહેવા માટે પણ જણાવવામાં આવ્યું છે.