આગામી 24 થી 36 કલાક ઉત્તર ભારતના મેદાની-પહાડી વિસ્તારોમાં ચોમાસુ સક્રિય રહેશે
21, જુલાઈ 2020

દિલ્હી-

દેશના અમુક ભાગોમાં ચોમાસાનું ઉગ્ર રૂપ જોવા મળે છે તો કયાંક નિરાશ કરે છે. ખાસ કરીને મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતના અમુક ભાગોમાં તેમજ ઉત્તર ભારતના મેદાની વિસ્તારો જેમ કે પંજાબ, હરીયાણામાં પણ ચોમાસાનું પ્રદર્શન નબળુ જોવા મળેલ. દક્ષિણ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પણ અત્યાર સુધી ધાર્યો વરસાદ થયો નથી પણ છેલ્લા બે દિવસથી મોનસુન ટ્રફ ઉત્તર ભારતના હિમાલયની તળેટીએ હોય જેની અસરના ભાગરૂપે દિલ્હી એનસીઆર, પશ્ચિમ યુ.પી., ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં મુશળધાર વરસાદ શરૂ થયો છે અને આગામી ૨૪ થી ૩૬ કલાક સુધી ઉત્તર ભારતના મેદાની અને પર્વતીય વિસ્તારોમાં ચોમાસુ સક્રિય રહેશે. 

નોંધનીય છે કે હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં આ વખતે ખુબ ઓછો વરસાદ થયો છે અને ૨૧મી જુલાઇ સુધી લદાખ, જમ્મુ કાશ્મીર, ગીલગીટ, પાકિસ્તાન, મુઝફરાબાદમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે પરંતુ વધુ વરસાદ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબ, હરીયાણાના ઉતર અને પશ્ચિમના ભાગોમાં પડશે. 

જયારે પૂર્વ યુ.પી.માં પણ ભારે વરસાદ ચાલુ રહેશે. ગોરખપુરથી અયોધ્યા, સુલતાનપુરમાં પણ ભારે વરસાદની શકયતા છે. બિહારમાં વરસાદની માત્રામાં ઘટાડો જરૂર થયો છે. પરંતુ હજુપણ બિહારમાં પુરની સ્થિતિ યથાવત છે. પશ્ચિમ બંગાળ અને સિકકીમના આસપાસના વિસ્તારોમાં પણ બેફામ વરસાદ થયો છે. અનેક સ્થળોએ વ્યાપક નુકશાન થયું છે. હજુ બે દિવસ જોરદાર વરસાદ સંભવ છે. જયારે મીઝોરમ, ઝારખંડમાં સામાન્ય વરસાદ પડશે. હળવાથી મધ્યમ વરસાદ પડશે. ઓરીસ્સા અને છતીસગઢમાં પણ હળવાથી મધ્યમ વરસશે. કોઇ-કોઇ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. મહારાષ્ટ્ર, વિદર્ભ, મરાઠાવાડામાં આજે-કાલે વરસાદની સંભાવના છે. ૨૩ જુલાઇથી મધ્યમ મહારાષ્ટ્ર અને કોંકણમાં સારા વરસાદની શકયતા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution