પ્રેમમાં આંધણી બનેલી ત્રણ સંતાનોની માતા 17 વર્ષીય સગીર પ્રેમી સાથે ભાગી ગઈ અને પછી થયું એવું કે..
26, જુન 2021

અમદાવાદ-

ખોખરામાં રહેતી 24 વર્ષીય યુવતીને એક 17 વર્ષીય સગીર યુવક સાથે પ્રેમ થતા યુવતી સગીર યુવકને સાથે ઘરેથી 340 રૂપિયા લઈને ભાગી ગઈ હતી. આ બંન્ને પ્રેમી પંખીડાઓ 13 દિવસ સુધી સંતરામપુરમાં રોકાયા હતા. બીજી બાજુ સગીર યુવકના માતા-પિતાએ મણીનગર પોલીસ સ્ટેશનમાં સગીર યુવકનું અપહરણ થયાની ફરિયાદ નોંધાવી હોવાથી પોલીસે સગીર યુવકની ભાળ મેળવવાના પ્રયાસ શરૂ કર્યા હતા. જો કે પ્રેમી પંખીડા સંતરામપુરમાં હોવાની બાતમી મળતા મણીનગર પોલીસે તે જગ્યાએ જઈને યુવતી અને સગીર યુવકને પકડી લીધા હતા. આ અંગે યુવતીના વિરુદ્ધમાં અપહરણનો ગુનો દાખલ થયો હોવાથી પોલીસે મેડિકલ પુરાવા એકત્રિત કરી વધુ યુવતીની સઘન પુછપરછ હાથધરી છે.

મણીનગર પોલીસ સ્ટેશનમાં એક સગીરનું અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જે કેસમાં પોલીસે સોનલ પાટીલ નામની 24 વર્ષીય યુવતીની ધરપકડ કરી છે. સોનલ ખોખરા વિસ્તારમાં પતિ સાથે રહે છે, અને ત્રણ સંતાનોની માતા છે. હાલ તેની અપહરણના ગુનામાં પોલીસે ધરપકડ કરી છે. સોનલ થોડા દિવસ પહેલા તેના ઘરેથી નીકળી મણીનગર વિસ્તારમાં આવી હતી. જ્યાં થોડા સમય પહેલા તે જે સગીરના પ્રેમમાં પડી હતી તેને મળી હતી. બાદમાં સોનલ સગીરને લઈને ભાગી ગઈ હતી. સગીર ગુમ થતા મણીનગર પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો નોંધાયો હતો. બીજી તરફ ખોખરામાં પણ આ મહિલા ગુમ થઈ હોવાની ફરિયાદ થઈ હતી. તપાસમાં પોલીસે બાતમી આધારે સંતરામપુરથી આ બંનેની ભાળ મેળવી હતી. તપાસ કરતા સામે આવ્યું કે, બંને અમદાવાદથી નીકળી એસટી બસ મારફતે સંતરામપુર પહોંચ્યા હતા. 340 રૂપિયા લઈને નીકળેલા આ પ્રેમી પંખીડા પાસે વધુ રૂપિયા ન હોવાથી ત્યાં જઈને મોબાઈલ ફોન વેચી 540 રૂપિયા મેળવી ગુજરાન ચલાવ્યું હતું.

 બંને એક જ કિટલી પર દિવસમાં બેથી ત્રણવાર ચા પીવા આવતા હોવાની બાતમી મળતા પોલીસને બંનેની ભાળ મળી હતી. બંને ત્યાં કોઈ ઘરે કામ કરતા હતા. 13 દિવસ સંતરામપુરમાં રોકાતા મહિલા અને સગીર પ્રેમી વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયા હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે નાની ઉંમરે લગ્ન કરી મહિલા પસ્તાઈ હતી. બાદમાં અન્ય સગીર સાથે પ્રેમ કરવાનું પણ ભારે પડ્યું છે. તમામ બાબતોને લઈને પોલીસે મેડિકલ પુરાવા એકત્રિત કરવાનું શરૂ કરી આ ગુનાની હવે વધુ તપાસ શરૂ કરી છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution