નર્મદાના દંપતીએ કોરોના વેકસીન લીધી ન હોવા છતાં રજિસ્ટ્રેશન થયું!
09, એપ્રીલ 2021

રાજપીપળા, નર્મદા જિલ્લામાં કોરોના સંક્રમણનો ગ્રાફ ઊંચો ઊઠી રહ્યો છે.એક તરફ કોરોનાને નાથવા આરોગ્ય વિભાગ કોવિડ ટેસ્ટની સંખ્યા વધારી રહ્યુ છે અને ૪૫ વર્ષથી વધુ વયના લોકોને કોરોના વિરોધી વેકસીનની કામગીરી કરી રહ્યું છે.ત્યારે એક વૃદ્ધ દંપતીએ કોરોના વેકસીન લીધી ન હોવા છતાં એમનું રજિસ્ટ્રેશન થઈ ગયું હોવાની ઘટના સામે આવી છે.રાજપીપળાના માછીવાડમા રહેતા અને હરવા-ફરવામા અશક્ત એવા ૭૧ વર્ષીય માછી રતનભાઈ અને તેમની પત્ની ભીખીબેન ઉ.વ ૬૬ ના કોરોનાની કોવિશિલ્ડ રસીકરણના સર્ટિફિકેટ ઓનલાઈન જનરેટ થઈ જતા તેઓ આશ્ચર્યમા મુકાયા છે.નર્મદા જિલ્લાનું આરોગ્ય વિભાગ છબરડાઓને કારણે સતત ચર્ચામા રહે છે, હાલ એવી હકીકત સામે આવી છે કે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રાજપીપળા માછીવાડમા રહેતા અને નિવૃત જીવન ગુજારતા વયોવૃદ્ધ દંપતી રતનભાઈ માછી અને તેમની પત્ની ભીખીબેને પોતે કોરોના વિરોધી કોઈ પણ જાતની રસી લીધી ના હોવા છતાં તેમના નામ કોવિશિલ્ડ વેક્સીનનો પ્રથમ ડોઝ ગત તારીખ ૨૬ માર્ચ ૨૦૨૧ ના રોજ લીધો હોવાના પ્રમાણપત્ર ઓનલાઈન થઈ ગયા હોવાનું બહાર આવવા પામ્યું છે.આ સમગ્ર ધુપ્પલનો ઘટસ્ફોટ ત્યારે થયું કે જ્યારે તેમના પુત્ર દિનેશભાઈ રતનભાઈ માછીએ પોતે બે વખત કોરોના વેક્સીન લીધા બાદ પોતાનું સર્ટી ડાઉનલોડ કરવા ગયા હતા.તેઓ જ્યારે પોતાનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા ગયા તો તેમના માતા-પિતાનું પણ પ્રમાણપત્ર લાભાર્થી સંખ્યા સાથે ડાઉનલોડ થયું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution