21, જાન્યુઆરી 2021
વડોદરા, તા.૨૦
જાે બિડેન અને કમલા હૈરિસના વડપણ હેઠળની નવી અમેરિકન સરકાર ભારત માટે લાભદાયી રહેશે તેવો આશાવાદ કોર્પોરેટ જગતને છે. વડોદરા સહિત મધ્ય ગુજરાતના કોર્પોરેટજગતમાં એવી આશા રહી છેકે, નવી અમેરિકન સરકાર ભારત સાથે આર્થિક,રાજદ્વારી, લશ્કરી, ટેકનોલોજિકલ સહિતના સબંધોને વધુ મજબૂત બનાવશે. ઓબામા સરકારના અનુભવ બાદ જાે બિડેનના વડપણ હેઠળની સરકાર પણ વધુને વધુ આર્થિક સહયોગ માટે
આગળ આવશે.
શહેરની ઝાયડેક્સ ઇન્ડસ્ટ્રિઝના સીઇઓ ડો.અજય રાંકાએ લોકસત્તાને જણાવ્યું હતુંકે,નવી અમેરિકન સરકાર ભારત સાથે વધુને વધુ સંબંધો વિકસાવશે તેવી આશા છે. તેમણે જણાવ્યું હતુંકે,ચીન અને પાકિસ્તાન સાથેના સંબંધોને અનુલક્ષીને પણ અમેરિકા હવે ભારત તરફ વધુ આગળ આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બરાક ઓબામાના સબંધો સારા હતા.હવે જાે બિડેન અને કમલા હૈરિસ પણ તેમની પ્રણાલિકાને અનુસરશે.
અમેરિકામાંથી ભારતમાં બિઝનેસ વધુ પ્રમાણમાં આવશે. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (એફડીઆઇ) પણ વધુ પ્રમાણમાં આવશે. આઇટી ફ્રેન્ડલી નવું અમેરિકન વહીવટીતંત્ર રહેશે. જાે બિડેને તેમના વહીવટી તંત્રમાં ૨૦ ભારતીય મૂળના અમેરિકનોને જવાબદારી સોંપી છે. જે મહત્વની બાબત છે. ભારતીય સ્ક્રિલ્ડ મેનપાવરને પણ વધુ રોજગારી અમેરિકામાં મળશે. એચ ૧ બી સહિતના ઇમિગ્રેશનના પ્રશ્નો ઝડપથી નવી સરકાર ઉકેલશે તેવી અપેક્ષા છે. આઇટી કંપનીઓને તેનો સીધો લાભ
મળી શકશે.
અમેરિકામાં રહેતા ભારતીયો દ્વારા પણ રેમિટન્સ મોટા પ્રમાણમાં આવશે. નવી ટેકનોલોજી પણ ભારતને વિવિધ ક્ષેત્રમાં મળતી રહેશે. મધ્ય ગુજરાત સહિત રાજ્યમાં પણ અમેરિકન કંપનીઓ આગામી સમયમાં વધુ રોકાણ માટે આવશે તેવી અપેક્ષા છે.