રાજકોટ, આટકોટના કૈલાશનગરમાં રૂ.૨૩ લાખના ખર્ચે લોકોની પાણીની તંગી દૂર કરવા ગ્રામ પંચાયતે આગોતરા આયોજનના ભાગ રૂપે ૩ ટાંકા બનાવી રાખ્યા છે. પરંતુ હજુ સુધી જાેડાણ આપવામાં આવ્યું નથી. ટાંકાને પાણીથી ભરવા વીજળીની જરૂર છે પણ વીજળીના વાંકે ઉનાળામાં છતે પાણીએ તરસ્યા જેવી હાલત થઇ રહી હોવાનો આક્ષેપ સ્થાનિક મહિલાઓ કરી રહી છે. મહિલાઓનો દાવો છે કે, ૮ દિવસે એક જ વાર માંડ ૩૦ મિનિટ જ પાણી મળે છે. આ મુદ્દે ગામના આગેવાન વિજયભાઈએ જણાવ્યું હતું કે, અમે આ અંગે અવારનવાર રજૂઆત કરી છતાં હજુ સુધી લાઈટના કનેક્શન આપવામાં આવ્યા નથી જાે લાઈટના કનેક્શન આપવામાં આવે તો જ કૈલાશ નગરના લોકોને પાણીની સુવિધા મળી રહે તેમ છે. લોકોને હાલમાં ૮ દિવસે માંડ ૧ વાર પાણી મળી રહે છે. જાે આ ત્રણેય ટાંકા શરૂ કરવામાં આવે તો લોકોને પાણીની સારી એવી સુવિધા મળી રહેશે. હાલ ઉનાળાની કપરી પરિસ્થિતિ વચ્ચે જાે આ કનેક્શન આપવામાં આવે તો કૈલાશનગરના લોકોને પાણીની સુવિધા ઉપલબ્ધ થાય. હાલમાં તો ગામમાંથી પાણી છોડે ત્યારે જ કૈલાશ નગરના લોકોને પાણી મળે છે.