વડોદરા, તા.૨૨ 

શહેરના સેવાસી વિસ્તારમાં એક મકાનમાં અત્યંત ઝેરી પ્રજાતિનો કોબ્રા ઘરના સોફા પર બેસી જતાં ઊંઘમાંથી ઊઠેલી મહિલા ચોંકી ગઈ હતી. આ અંગેની જાણ એનિમલ રેસ્કયૂ સંસ્થાને કરાતાં સંસ્થાના કાર્યકરોએ સોફા નીચે ફેણ ચઢાવી બેસેલા પાંચ ફૂટના કોબ્રાને પકડીને વન વિભાગને સુપરત કર્યો હતો.

શહેરના સેવાસી વિસ્તારમાં આવેલ સાંનિધ્ય રેસિડેન્સીમાં રહેતા સોહેલભાઈ બ્રહ્મભટ્ટ પરિવાર સાથે ઉપરના માળે બેડરૂમમાં સૂતા હતા. વહેલી સવારે તેમના પત્ની ઊંઘમાંથી ઊઠીને નીચે ઉતરી રહ્યાં હતાં ત્યારે દાદરની લાઈટ ચાલુ કરતાં જ ચોંકી ગયા હતા. નીચે ડ્રોઈંગ રૂમમાં ટીવીના શો-કેસની બાજુમાં મુકેલા સોફા પર સાપ ફેણ ચઢાવીને બેસેલો જાેઈ મહિલાએ બૂમ પાડતાં સાપ શો-કેસની નીચે જતો રહ્યો હતો અને ત્યાર પછી સોફાની નીચે આવી ફેણ ચઢાવીને બેસી ગયો હતો. ઘરમાં સાપ આવી ગયાની જાણ સોહેલભાઈએ એનિમલ રેસ્કયૂ સંસ્થાને કરતાં સંસ્થાના કાર્યકરો તુરંત દોડી ગયા હતા અને અત્યંત ઝેરી એવા પાંચ ફૂટના કોબ્રાને રેસ્કયૂ કરીને વન વિભાગના હવાલે કર્યો હતો. વહેલી સવારે અચાનક ઘરમાં મોટો કોબ્રા સાપને જાેઈને પરિવાજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો.