માંડવિયાના બજેટના ગુણગાન  જવાબોમાં થોથવાયાં
13, ફેબ્રુઆરી 2022

ગાંધીનગર, કેન્દ્રની ભાજપ સરકારના અમૃત કાળના આ બજેટના ગુણગાન ગાવા અને શા માટે અમૃત કાળનું બજેટ છે? તે કહેવા માટે કેન્દ્રીય આરોગ્ય અને કેમિકલ્સ મંત્રી મનસુખ માંડવિયા ગુજરાત આવ્યા છે. ત્યારે તેમણે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પત્રકાર પરિષદ યોજીને અમૃત કાળના બજેટમાં આગામી ૨૫ વર્ષનો રોડ મેપ હોવાનું જણાવ્યું હતું. જાે કે આ અમૃત કાળના બજેટની જાેગવાઈઓ અંગે આંકડાકીય માહિતી માંગવામાં આવતા તેઓએ ગોળ ગોળ જવાબો આપ્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરેલા બજેટમાં આગામી ૨૫ વર્ષનો રોડમેપ તૈયાર કરાયો છે. આ બજેટ સર્વસમાવેશક છે, તમામ જ્ઞાતિ, જાતિ, વર્ગ સમુદાયને ઉપયોગી બજેટ છે. આ બજેટમાં મેન્ટલ હેલ્થ, ડિજિટલ કરન્સી, ઇન્ફ્રાસ્ટ્રકચર, ક્લાઇમેન્ટ ચેન્જ, પ્રાઇવેટ એન્ડ પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ તેમજ ગતિશક્તિની અંદર રોડ, રેલ્વે, એરપોર્ટ, સી પોર્ટ, ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટીક ઇન્ફાસ્ટ્રકચર ઉપર સરકાર દ્વારા ભાર મૂકાયો છે. જેનાથી દેશને કેવી રીતે ફાયદો મળશે? તે અંગે વિગતવાર માહિતી આપી હતી. ગતિશક્તિના માધ્યમથી લોજિસ્ટીક ઇન્ફાસ્ટ્રકચરને ડેવલોપ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે સાડા સાત લાખ કરોડનો ખર્ચ કરવાનું નક્કી કરાયું છે.તેમણે ડિજિટલ યુનિવર્સિટી બનાવવા ભાર મૂકતાં જણાવ્યું હતું કે, ડેટા સેન્ટર, એનર્જી સ્ટોરેજ સિસ્ટમને ઇન્ફાસ્ટ્રકટરનો દરજ્જાે આ બજેટમાં અપાયો છે. ડિફેન્સ કોરિડોરના માધ્યમથી સરંક્ષણના સાધનોને ગતિ આપવાનું આયોજન પણ આ બજેટમાં કરાયું છે. વર્તમાન સમયની માંગને ધ્યાનમાં રાખીને ડિજિટલ યુગમાં ડિજિટલ યુનિવર્સિટી બનાવવા ભાર મુકાયો છે.નેશનલ ટેલિ મેડિસીન ઇ-સંજીવની પ્લેટફોર્મ અંગેની બાબતનો બજેટમાં સમાવેશ કરાયો છે તે અંગે કેન્દ્રીય મંત્રી માંડવિયાએ જણાવ્યું હતું કે, ટેલિ મેડિસીનથી નાના મથકે ઉપસ્થિત તપાસ કરી રહેલા ડૉકટર અને મુખ્ય મથક પર હાજર ડૉકટર ઇ-સંજીવની પ્લેટફોર્મથી જાેડાશે અને દર્દીને ત્યાથી મોટા ડોક્ટરની સલાહ મળી જશે.

પૂછાયેલા સવાલોના સ્પષ્ટ ઉત્તર આપવાના બદલે ગોળ ગોળ વાતો કરી

કેન્દ્ર સરકારે કોરોના વેક્સિનના રિસર્ચ માટે ૨૫૦ કરોડની જાેગવાઈ કરી છે તેમાંથી સરકારી સંસ્થાને કેટલી રકમ અને ખાનગી સંસ્થાઓને કેટલી રકમની ફાળવણી કરાઈ છે? તેની પૂરતી માહિતી અપાઈ ન હતી. કેન્દ્ર સરકાર દ્વારા ૬૦ લાખ જગ્યાઓ માટે ભરતીનું આયોજન કરાયું છે તેમાં રેલવેમાં અને અન્ય વિભાગોમાં કેટલી જગ્યાઓની ભરતી કરાશે તેનો પણ કોઈ સ્પષ્ટ ઉત્તર અપાયો ન હતો. પાંચથી ૧૨ વર્ષના બાળકો માટે કોરોનાની રસી ક્યારે અપાશે? તે અંગે પણ કેન્દ્રીય આરોગ્ય મંત્રી દ્વારા સ્પષ્ટ જવાબ આપવાના બદલે એક્સપર્ટ કમિટી નક્કી કરશે ત્યારે પાંચથી ૧૨ વર્ષના બાળકોને કોરોનાની રસી આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.

ગુજરાત કુપોષણમાં બીજા ક્રમે  શું આયોજન છે તેનો પ્રત્યુત્તર ન અપાયો

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ કુપોષણમાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમે આવ્યું છે. તો ગુજરાતને કુપોષણ મુક્ત બનાવવા માટે શું આયોજન કરાયું છે? તેવો સવાલ કરતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી દ્વારા જણાવાયું હતું કે, કેન્દ્ર દ્વારા આવા કોઈ આંકડાં જાહેર કરાયા નથી? તેમ કહીને જવાબ આપવાનું ટાળી દીધું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution