ઓલપાડ,તા.૨૪ 

ઓલપાડ તાલુકાના ઉમરા, સાયણ અને કરમલા ગામની સૌરાષ્ટ્રવાસી સોસાયટીઓમાં રહેતા વધુ ૩ લોકોને લપેટમાં લીધા છે.જ્યારે કોરોનાની સારવાર લઇ રહેલા ઉમરા ગામની સુખાનંદ સોસાયટીના એક ૪૧ વર્ષના પુરૂષનું બુધવારે મોત થતા સૌરાષ્ટ્રવાસી રહીશોમાં હાહાકાર મચી ગયો છે.બુધવારે તાલુકામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૭૪ પૈકી કોરોના સંક્રમિત ૧ દર્દીના પહેલા મોતનો રેકર્ડ આજે તાલુકામાં નોંધાયો છે.૪૦ દર્દીઓએ કોરોનાને માત આપતા હાલ ૩૩ દર્દીઓ સુરતની કોવિદ-૧૯ હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહ્યા હોવાનું ઓલપાડ તાલુકા ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી ડો.કૃણાલે જણાવ્યું હતું.આરોગ્ય તંત્ર હસ્તકના પીએચસી - સીએચસીની મેડીકલ ટીમે તા.૨૩મીએ૧૨ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલો સ્મીમેર હોસ્પિટલમાં કોરોના લેબોરેટરીમાં ટેસ્ટીંગ માટે મોકલ્યા હતા.જે પૈકી સાયણ સીએચસી હસ્તકના ઉમરા ગામની સૌરાષ્ટ્રવાસી રહીશોની સુખાનંદ સોસાયટીમાં રહેતા એક ૩૯ વર્ષના પુરૂષ સહિત સાયણની શિવ રેસીડેન્સીમાં રહેતા ૨૮ વર્ષના યુવાનનો રિપોર્ટ પોઝિટિવ જણાયો હતો. સાંધીએર પીએચસી હસ્તકના કરમલા ગામની મધુરમવિલા સૌરાષ્ટ્રવાસી સોસાયટી રહેતા એક ૨૯ વર્ષના યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તાલુકા આરોગ્ય તંત્રએ તમામ કોરોના સંક્રમિતોને સુરત ખાતેની કોવિદ-૧૯ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી ઘરના પરિવારજનોને હોમ ક્વોરેન્ટાઇન કર્યા છે.જ્યારે તાલુકામાં કોરોનાથી પ્રથમ મોતનો બનાવ બનતા તાલુકા આરોગ્ય તંત્રએ વધુ સેમ્પલો ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરી છે.