મુંબઇ-

હવામાન ખાતાએ એવી માહિતી આપી હતી કે આજે લગભગ ૧૫ દિવસના ડ્રાય સ્પેલ(વરસાદ નહી વરસવો-કોરું આકાશ) બાદ મુંબઇ સહિત મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ફરીથી વરસાદી માહોલ સર્જાયો છે.

મુંબઇમાં મંગળવાર રાતથી જ વરસાદ વરસવાનું શરૃ થયું છે.આજે બુધવારે સવારથી આખા મુંબઇમાં મધ્યમથી ભારે વર્ષા થઇ હતી.પશ્ચિમનાં બોરીવલી, કાંદિવલી,મલાડથી લઇને સાંતાક્રૂઝ તથા દાદર, લોઅર પરેલ સુધી અને પૂર્વનાં પરાં ઘાટકોપર, પવઇ, વિક્રોલીમાં સંતોષકારક વર્ષા થઇ હતી. જાેકે આજે સવારથી મુંબઇનું ગગન ગોરંભાયું હતું અને આકાશમાં કાળાં ડિબાંગ વરસાદી વાદળોનો જમઘટ જામ્યો હતો.પરિણામે દિવસે પણ ઘોર અંધકારનું વાતાવરણ સર્જાયું હતું. આજે મુંબઇના કોલાબામાં રાતના ૮-૩૦ સુધીમાં ૪૮.૪ મિલિમીટર જ્યારે સાંતાક્રૂઝમાં ૩૬.૬ મિલિમીટર વર્ષા નોંધાઇ છે. આજે સુધીમાં કોલાબામાં કુલ ૬૬.૨૯ ઇંચ જ્યારે સાંતાક્રૂઝમાં કુલ ૮૯.૪૩ ઇંચ વરસાદ નોંધાયો છે. બીજીબાજુ ઉત્તર કોંકણનાંથાણે-૧૯.૨, દહાણુ(૨૪.૪), અલીબાગ(૨૫.૧),દક્ષિણ કોંકણનાં રત્નાગિરિ-૭.૯, હર્ણાઇ-૩૪.૦, મધ્ય મહારાષ્ટ્રનાં પુણે-૪.૦, અહમદનગર-૨.૬ અને માથેરાનમાં ૪૦.૦ મિલિમીટર વર્ષા નોંધાઇ હોવાના સમાચાર મળે છે.સાથોસાથ વિદર્ભનાં અકોલા, ચંદ્રપુર,નાગપુર, ભંડારા જિલ્લામાં પણ અમુક સ્થળોએ મુશળધાર વરસાદ વરસ્યો હોવાના સમાચાર મળે છે.

હવામાન ખાતાએ એવી આગાહી કરી છે કે મુંબઇમાં આવતા ૪૮ કલાક દરમિયાન અમુક પરાંમાં મધ્યમથી ભારે વર્ષા થવાની શક્યતા છે. આવતા ૨૪ કલાક દરમિયાન પાલઘરમાં ભારે વર્ષા(યલો એલર્ટ) જ્યારે નંદુરબારમાં પણ આવતા ૨૪ કલાક દરમિયાન ભારે વરસાદ (યલો એલર્ટ)વરસે તેવી શકયતા છે.સાથોસાથ ૧૯,૨૦-ઓગસ્ટ દરમિયાન વિદર્ભનાં અકોલા,અમરાવતી,બુલઢાણા, નાગપુર અને વાશીમમાં પણ ભારે વર્ષા (યલો એલર્ટ) થાય તેવી સંભાવના છે. હવામાન ખાતાનાં સિનિયર વિજ્ઞાાની શુભાંગી ભૂતેએ ગુજરાત સમાચારને એવી માહિતી આપી હતી કે હાલ નૈઋત્યનું ચોમાસુ મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડા પર વધુ તીવ્ર બન્યું છે. સાથોસાથ ગુજરાતમાં પણ સક્રિય થયું છે.ઉપરાંત, હાલ આકાશમાં ૩.૧ થી ૪.૫ કિલોમીટરના અંતરે બે વિરુદ્ધ દિશાના પવનો વચ્ચે તીવ્ર ટક્કર થઇ રહી છે.વળી,બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણનું કેન્દ્ર(લો પ્રેશર) પણ સર્જાયું છે.ઉપરાંત, સાયકલોનિક સર્ક્‌યુલેશનની અસર વિદર્ભથી તેલંગણા થઇને તામિલનાડુ સુધી જાેવા મળે છે.