ગાંધીનગર-

કોરોનાની હાડમારી વચ્ચે ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર સોમવારે શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે સત્ર શરૂ થયાના એક દિવસ પહેલા એટલે કે આજે રવિવારે કોરોના અંગે સુરક્ષા ના કારણોસર મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના સભ્યો અને તમામ ધારાસભ્યોના કોરોના ટેસ્ટ કરવામાં આવનાર છે, ટેસ્ટ દરમ્યાન જેનો રિપોર્ટ પોઝિટિવ આવશે તે નેતાને વિધાનસભામાં પ્રવેશ આપવામાં આવશે નહીં અને ક્વોરન્ટીન કરી દેવાશે, કોરોના સંક્રમણ વચ્ચે સોમવારથી વિધાનસભાનું ચોમાસુ સત્ર મળી રહ્યું છે ત્યારે સંક્રમણ ફેલાય નહીં તે માટે વિધાનસભાની કામગીરી સાથે સંક્ળાયેલા તમામ કર્મચારીઓ, ધારાસભ્યો, મંત્રીઓ અને અધિકારીઓના ફરજિયાત કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

અત્રે નોંધનીય છે કે શનિવારે થયેલા કોરોના ટેસ્ટ ના પહેલાજ રાઉન્ડમાં વિધાનસભા, સીએમ કાર્યાલય અને મંત્રીઓના સ્ટાફ મળીને કુલ 14 કર્મચારીઓ પોઝિટિવ જણાઇ આવ્યા છે. સ્વર્ણિમ સંકુલ-1 અને 2માં કોરોના સંક્રમણને લઇને કર્મચારીઓમાં પણ ચિંતા વ્યાપી છે. શનિવારે વિધાનસભા અને મંત્રીઓના કાર્યાલયના તમામ સ્ટાફના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા ત્યારે સવાલ એ થાય છે કે જો શરૂઆત માં જ આટલા કેસ હોય તો વધુ ટેસ્ટ દરમ્યાન કેસ વધવાની શક્યતાઓ રહેલી છે.