કોલકાતા

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી માટે સોમવારે સાતમા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં 34 બેઠક પર 284 ઉમેદવાર પોતાનું નસીબ અજમાવશે. કોવિડ-19ની બીજી લહેર વચ્ચે 86 લાખથી વધારે મતદાતાઓ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.વડાપ્રધાને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા અપીલ કરી છે.


આ અંગે ચૂંટણી પંચના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ચૂંટણીના પહેલાના છ તબક્કામાં થયેલી હિંસાને ધ્યાનમાં રાખી સાતમા તબક્કાના મતદાન માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ચૂંટણી વિભાગે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે આ તબક્કામાં કેન્દ્રિય બળોની ઓછામાં ઓછી 796 કંપની તહેનાત કરવાનો નિર્ણય કર્યો છે.

ભવાનીપૂર વિસ્તારથી TMC (તૃણમુલ કોંગ્રેસ)ના ઉમેદવાર સોભનદેબ ચટ્ટોપાધ્યાયે મંમથ નંદન બોય્સ એન્ડ ગર્લ્સ સ્કૂલમાં બનાવવામાં આવેલા મતદાનમથક પર જઈને સોમવારે વહેલી સવારે મતદાન કર્યું હતું. આપને જણાવી દઈએ કે, મુખ્યપ્રધાન મમતા બેનરજી પણ આ ચૂંટણી ક્ષેત્રથી ધારાસભ્ય છે. સાતમા તબક્કામાં 12,068 મતદાનમથકો પર મતદાન થશે. દરેકની નજર ભવાનીપૂર ચૂંટણી વિસ્તાર પર હશે. કારણ કે, અહીંથી TMCના પ્રમુખ અને મુખ્યપ્રધાન મમતા બેનરજી ધારાસભ્ય છે અને આ જ વિસ્તારના રહેવાસી છે.