ગેરકાયદેસર ગુનાહિત કૃત્યો કરનાર વ્યક્તિઓને રાજ્ય સરકાર સાંખી લેશે નહીં: ગુહમંત્રી
23, સપ્ટેમ્બર 2020

અમદાવાદ-

ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે રાજ્યમાં શાંતિ, સુલેહ અને સૌહાર્દનું વાતાવરણ બની રહે એજ નિર્ધાર સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળ ચાલતી અમારી સરકારે નાગરિકોને સુખાકારી સાથે સગવડો આપી છે. રાજ્યમાં પ્રવર્તિ રહેલ શાંતિના પરિણામે જ આખી દુનિયાની નજર ગુજરાત પર છે ત્યારે રાજ્યમાં ગેરકાયદેસર ગુનહિત કૃત્યો કરનાર વ્યક્તિઓને છુટોદોર ન મળે તે માટે રાજ્ય સરકારે પાસાનો કાયદો અમલી બનાવ્યો છે.

નોંધનીય બાબત છે કે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડા અનુસાર સૌથી ઓછા ક્રાઈમ રેટ ધરાવતા રાજ્યોની યાદીમાં ગુજરાત સ્થાન ધરાવે છે. રાજ્યમાં શાંતિ-સલામતિ જળવાય રહે અને નાગરિકો ચિંતામુક્ત થઈ જીવન જીવી શકે એ જ અમારી સરકારની પ્રાથમિકતાજ છે. કોંગ્રેસના શાસનકાળમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા વેળાએ સમગ્ર રાજ્યમાં પોલીસ મૂકવી પડતી હતી. બુલેટપ્રૂફ રથ નિકાળવો પડતો હતો, છુરાબાજી થતી હતી જેને પગલે રાજ્યની પ્રજા ડરના ઓથાર હેઠળ જીવતી હતી. જવામર્દ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી પદે બેઠા હતા ત્યારથી રાજ્યના કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર કોઈ આંગળી ચિંધી શકે તેમ નથી. વડાપ્રધાનના Visionary leadership હેઠળ ગુજરાતે કોમવાદ સામે Zero Toleranceની નીતિ અપનાવી અને આદર્શ પોલીસ વ્યવસ્થાના માધ્યમથી તોફાની તત્વોને ઓળખી કાઢી તેમની સામે કડક પગલાં લઇને સમાજમાં કાયદાના શાસનની સ્થાપના કરી છે. રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની ઉતમ સ્થિતિને કારણે જ ગુજરાતમાં વિશ્વભરમાંથી ઉદ્યોગપતિઓ રોકાણ માટે આવે છે. એટલે જ સૌથી વધુ રોજગારી આપતુ એકમાત્ર રાજ્ય ગુજરાત છે જે ગુજરાતની શાંતિ-સલામતિના કારણે જ શક્ય બન્યું છે.

મંત્રીએ ઉમેર્યુ કે, વર્તમાન ટેકનોલોજીના યુગમાં હાઈ-ફાઈ ગુનેગારો વાઈ-ફાઈની મદદથી ગુનાઓ આચરતા થયા છે ત્યારે સાયબર ક્રાઈમના અપરાધીઓ ગુજરાતની પ્રજાને લૂંટતા રહે અને સરકાર જોતી રહે તેવી આ સરકાર નથી. ટેક્નોલોજીના વધતાં ઉપયોગ અને તેના વ્યાપના કારણે ગુનાહિત માનસિકતા વાળા વ્યક્તિઓ હવે આ ડિજિટલ માધ્યમથી છેતરપીંડી જેવા અનેક ગુનાઓ આચરતા થયા છે. આ ટેક્નોલોજીની યાંત્રિક સમજ ન હોવાથી લોકો બહુ જ ઝડપથી સાયબર ક્રાઇમનો ભોગ બને છે. પરિણામે હવે ઓનલાઇન ઠગાઇ, Digital Transactions માં છેતરપીંડી, સોશ્યીલ મીડિયાનો દૂર ઉપયોગ અને બેકીંગ ફ્રોડ જેવા અનેક પ્રકારના નવા ગુનાઓ બની રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા આવા તત્વોને પકડી પાડવા તથા નિયંત્રણમાં લેવા અદ્યતન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનોનું માળખું ઉભું કરવા સહિતના અનેક પગલાંઓ લીધા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution