આ રાજયએ અત્યારથી ત્રીજી લહેરને પહોંચી વળવાની શરૂ કરી તૈયારીઓ
01, મે 2021

મુંબઇ-

દેશમાં કોરોનાનાં દૈનિક કેસ ૩ લાખથી ઉપર નોંધાઇ રહ્યા છે. દૈનિક સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાય છે. જણાવી દઇએ કે, મહારાષ્ટ્ર એ એવા કેટલાક રાજ્યોમાંનું એક છે કે જેમણે રસીની કથિત અછતનાં લીધે ૧ મે થી ૧૮ વર્ષથી વધુ ઉંમરનાં લોકો માટે સમૂહ રસીકરણ અભિયાન શરૂ કરવામાં અસમર્થતા વ્યક્ત કરી છે.

આ તે સમયે છે, જ્યારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે નિષ્ણાંતો પણ આ કેસની ગંભીરતાને સમજી રહ્યા છે. જણાવી દઇએ કે, કોરોના વાયરસની બીજી લહેરથી સૌથી વધુ અસરગ્રસ્ત મહારાષ્ટ્રએ અત્યારથી સંભવિત ત્રીજી લહેરની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રોગચાળાનાં નિષ્ણાતો સાથેની વાતચીતને ટાંકીને કહ્યું હતું કે, જુલાઈ અને ઓગસ્ટ સુધીમાં મહારાષ્ટ્રમાં ત્રીજી લહેરની સંભાવના છે. તેમણે રાજ્યનાં વહીવટને ત્રીજી લહેર માટે તૈયાર રહેવા કહ્યું અને માળખાગત સુવિધામાં સુધારો લાવવા નિર્દેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે, તેઓ રાજ્યમાં હાલનાં માહોલને પુનરાવર્તિત કરવા માંગતા નથી. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે વિભાગીય કમિશનર, કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનરો સાથે કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે એક મહત્વપૂર્ણ બેઠક કરી હતી. આ મીટિંગમાં તેમણે સ્પષ્ટપણે દરેકને ત્રીજી લહેર માટે તૈયાર રહેવાનું કહ્યું હતુ. મહારાષ્ટ્રનાં આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે કહ્યું કે, આપણે આર્ત્મનિભર બનવું પડશે, ખાસ કરીને ઓક્સિજનનાં પુરવઠાનાં મામલે. મુખ્યમંત્રીએ કહ્યું કે, તે સમયે ઓક્સિજન સપ્લાયનાં અભાવનું કોઈ કારણ સાંભળવું તેમને ગમશે નહીં.

આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે કહ્યું કે, અમે ઇચ્છીએ છીએ કે સ્થાનિક વહીવટીતંત્ર જુલાઈ સુધીમાં ઓક્સિજન સરપ્લસ મેળવી લે. આ માટે ૧૨૫ પીએસએ ટેક્નોલોજી પ્લાન્ટ સ્થાપવા માટેનાં આદેશો જારી કરવામાં આવ્યા છે અને આગામી ૧૦ દિવસમાં રાજ્યભરમાં તેમની સ્થાપના શરૂ થઈ જશે. જિલ્લા કલેકટરોને તેમના સંબંધિત જિલ્લાનાં કુલ સક્રિય દર્દીઓનાં ૨૫ ટકાનાં ગુણોત્તરમાં ૫ થી ૧૦ એલપીએમ ઓક્સિજન કંન્સટ્રેટર ખરીદવા નિર્દેશ આપવામાં આવ્યો છે, જેથી તમામ હળવા અને ગંભીર દર્દીઓ કોઈ પણ સંજાેગોમાં નિયમિત ઓક્સિજન સપ્લાય કરી શકે. એક વરિષ્ઠ અધિકારી, જેમણે નામ જાહેર ન થાય તે શરતે જણાવ્યું હતું કે, રાજ્યનાં ટાસ્ક ફોર્સનાં સભ્યોની સલાહનાં આધારે જુલાઇ અને ઓગસ્ટમાં મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેર આવશે. ટાસ્ક ફોર્સે તબીબી ક્ષેત્રનાં નિષ્ણાતો સાથેની ક્રિયા પ્રતિક્રિયાનાં આધારે આ આગાહી કરી છે. એટલું જ નહીં, તેમણે વિવિધ દેશોમાં કોરોના લહેરોની પદ્ધતિનાં અભ્યાસનાં આધારે આગાહી કરી છે. નિષ્ણાંતોનાં મતે, કોરોનાની દૈનિક કેસોમાં ઘટાડો મે નાં અંત સુધીમાં શરૂ થવાની સંભાવના છે, પરંતુ જુલાઈનાં અંત સુધીમાં અથવા ઓગસ્ટનાં પહેલા અઠવાડિયામાં, કેસ ફરીથી વધવા માંડશે, જે રાજ્યમાં ત્રીજી લહેર હશે .

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution