નર્મદા-

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને સરદાર સાહેબની પ્રતિમાને પાદપૂજા કરીને ભાવાંજલી અર્પી હતી. સરદાર સાહેબને ભાવાંજલિ આપતા મુલાકાત પોથીમાં તેમણે નોંધ્યું કે, જ્યારે દેશનો પ્રત્યેક નાગરિક સરદાર સાહેબને અનુસરવાની પ્રેરણા લેશે ત્યારે મજબૂત,સંવેદનસભર અને ધબકતા રાષ્ટ્રની પરિકલ્પના પૂર્ણ થશે.સ્ટેચ્યુ ઓફ યુનિટી એ માત્ર સ્મારક નથી તે વિશ્વની સૌથી યુવાન લોકશાહી માટે નાગરિકતાનાં માર્ગનો પ્રેરણાસ્ત્રોત છે, તેની છત્રછાયામાં મુક્તિ અને ગર્વની અનુભૂતિ થાય છે,એકતામાં શ્રેષ્ઠતાનું તે સાચા અર્થમાં ઉત્તમ પ્રતિક છે.સરદાર સાહેબને મારી હાર્દિક વંદના. શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લ્ભભાઇ પટેલ સાહેબની અતિ વિરાટ પ્રતિમાની પાદ પૂજા કરી ભાવવંદના કરી હતી. ત્યારબાદ ૧૩૫ મીટરની ઊંચાઈએ આવેલ વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હદય સ્થાનેથી અદભૂત નજારો પણ માણયો હતો.  તદ્દઉપરાંત વિધ્યાંચળ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન, લાયબ્રેરી, સરદાર સાહેબના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળી હતી. મંત્રીની મુલાકાત દરમ્યાન કેન્દ્રીય મહિલા આયોગના અધ્યક્ષા રેખા શર્મા,ગુજરાત મહિલા આયોગના અધ્યક્ષા શ્રીમતી લીલાબેન અંકોલીયા સાથે જોડાયા હતા. આ મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીને સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિશેષતા વિશે જનસંપર્ક અધિકારીરાહુલ પટેલે ઝીણવટભરી માહિતી આપી હતી અને સ્થાનિકોને રોજગારી બાબતે વાકેફ પણ કર્યા હતા.