દિલ્હી-

ભારતીય દવા નિયમનકારી સંસ્થાએ ડોક્ટર રેડ્ડીની લેબોરેટરીઝને ભારતમાં સ્પુતનિક લાઇટના ત્રીજા તબક્કાના પરીક્ષણો યોજવાની મંજૂરીનો ઇનકાર કરી દીધો છે. સૂત્રો દ્વારા આ માહિતી આપવામાં આવી છે. સ્પુતનિક લાઇટ એ રશિયન બનાવટની સ્પુતનિક વી રસીનું એક માત્રા રૂપ છે. સ્પુતનિક લાઇટ એ જ સ્પુતનિક વી ના બે ડોઝનો પ્રથમ ડોઝ જેવો છે. સિંગલ ડોઝ ટ્રાયલ ચાલી રહી છે જે અદ્યતન તબક્કામાં છે. વૈજ્ઞાનિક પ્રોટોકોલના દૃષ્ટિકોણથી સ્પુતનિક વી સિંગલ ડોઝ રસીની સલામતી અને અસરકારકતાની ચકાસણી કરવામાં આવી રહી છે.

મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે, રશિયાએ આ વર્ષે જાન્યુઆરીમાં સિંગલ ડોઝ રસીના માનવ પરીક્ષણો શરૂ કર્યા હતા. સત્તાવાર રેકોર્ડ અનુસાર, તેનો અભ્યાસ હજી ચાલુ છે. તેને ટૂંક સમયમાં જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે. તેની કિંમત પણ વિશ્વની અન્ય રસી કરતા ઓછી જણાવાઈ રહી છે. તેની કિંમત આશરે 10 ડોલર હોવાની સંભાવના છે. રૂપિયામાં આ ભાવ 700 ની આસપાસ રહેશે.

બધા સ્ટ્રેન સામે અસરકારક છે સ્પુતનિક લાઈટની રસી

સ્પુતનિક લાઇટ રસી કોરોના વાયરસના તમામ પ્રકારો સામે અસરકારક છે. સિંગલ ડોઝ આપ્યા પછીના 28 દિવસ બાદ 96.6 ટકા લોકોમાં IgG  એન્ટિબોડીઝ મળી આવ્યા છે. રસી આપ્યાના 28 દિવસ પછી, સ્પુતનિક લાઇટ રસી એન્ટિબોડીઝ ઉત્પન્ન કરે છે જે વાયરસના 91.67 ટકાને મારે છે. રસી આપ્યાના 10 દિવસ બાદ 100 ટકા વોલંટિયર્સમાં SARS-CoV-2 ના સામે એસ પ્રોટીન બનતા જોવા મળે છે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ સ્પુતનિક લાઈટ વિશે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, કોવિડ -19 સામે હવે ઘણા અસરકારક શસ્ત્રો એક સાથે  આગળ વધારવામાં આવી રહ્યા છે, જેમાં સ્પુતનિક લાઈટ પણ સામેલ છે.