રાજયના મેગા સીટીઓના RTOમાં ટેસ્ટ ટ્રેકનો સમય જૂલાઈની આ તારીખથી વધારાશે
08, જુલાઈ 2021

ગાંધીનગર-

ગુજરાતના ચાર મહાનગરોમાં આરટીઓ કચેરીમાં હવેથી ઓટોમેટેડ ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક બે શિફ્ટમાં કરી દેવામાં આવ્યો છે. જેમાં પહેલી શિફ્ટ સવાર ૬થી બપોરના ૨.૧૫ અને બીજી શિફ્ટ બપોરના ૨.૧૫થી રાત્રીના ૧૦.૩૦ વાગ્યા સુધીમાં ટેસ્ટ લેવામાં આવશે. જ્યાં સુધી રાત્રિ કરફ્યૂ અમલમાં રહેશે, ત્યાં સુધી રાતના ૯.૨૦ વાગ્યા સુધી ટેસ્ટ પૂર્ણ કરવાનો રહેશે. મહિલાઓ અરજદારો માટે વહેલી સવાર તેમજ રાત્રીના અનિચ્છનીય બનાવ ટાળવા જીઆઇએસએફના જવાનો નિયુક્ત કરવાના રહેશે.

સુરત આરટીઓમાં હવે સવારે ૬થી રાત્રે ૯.૨૦ વાગ્યા સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકાશે. સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની એપાઇન્ટમેન્ટ મોડી મળતી હોવાથી સમય વધારવા વાહન વ્યવહાર વિભાગે ર્નિણય લીધો છે. હાલ સુરત આરટીઓમાં લાઇટ ફિટિંગ્સની કામગીરી ચાલી રહી છે. સંભવતઃ શુક્રવારે સાંજ સુધીમાં કામગીરી પૂરી થઇ જશે. દરમિયાન સોમવારથી ટેસ્ટ ટ્રેકનો સમય સવારે ૦૬ વાગ્યા થશે.

સુરત આરટીઓમાં બાઇક અને કારની ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ત્રણ મહિનાનો વેઇટિંગ પિરિયડ છે. ઘણી વખત અરજદાર છ મહિનાના કાચા લાઇસન્સની અવધિ દરમિયાન માંડ એક વખત જ ટેસ્ટ આપી શકે છે. એટલે કે, એક વખત ટેસ્ટમાં નાપાસ થયા બાદ બીજી વખત ટેસ્ટ આપવાનો મોકો મળતો નથી. તેમજ અરજદારો મહિનાઓ સુધી કાચું લાઇસન્સ લઇને ફરતા રહે છે. આ સાથે જ નવા નવા ડ્રાઇવિંગ લાઇસન્સ ઈશ્યૂ થતાં રહે છે, તેથી વેઇટિંગ પિરિયડ ઓછો થવાનું નામ લેતું નથી.

ત્યારે અરજદારોને પડતી હાલાકીને ધ્યાને લઇ રાજ્યના વાહન વ્યવહાર વિભાગે સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદમાં સવારે ૦૬ વાગ્યાથી રાત્રે ૧૦.૩૦ વાગ્યા સુધી ટેસ્ટ લેવા ર્નિણય લેવાયો છે. હાલ કરફ્યૂ હોવાથી રાતે ૯.૨૦ કલાક સુધી ટેસ્ટ લેવાશે. સુરત આરટીઓના ટેસ્ટ ટ્રેક પર લાઇટિંગની કામગીરી બાકી હોવાથી સંભવતઃ સોમવારથી નવા નિયમની અમલવારી થઇ શકશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution