વડોદરા : કરજણ તાલુકાના લીલોડ ગામમાં રહેતા ૪ર વર્ષીય હિતેશભાઈ એન.વાળંદે ગત તા.૧૫ જૂનના રોજ બપોરે ચાર પાનાનો પત્ર લખીને ગુમ થયા હતા. પત્રમાં તેઓએ વ્યાજખોરો દ્વરા પરેશાન કરવામાં આવતો હોવાનો ઉલ્લેખ કર્યો હતો, તેની સાથે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને તેમના પુત્ર ઋષિ પટેલને મેઈન માણસો તરીકે ગણાવીને કુલ ૧૨ લોકો સામે આક્ષેપો કરીને તેઓ ઘર છોડીને ક્યાંક ચાલ્યા ગયા હતા. આ બનાવને પગલે જિલ્લા પોલીસ હરકતમાં આવી હતી. ભેદી સંજાેગોમાં ગુમ થનાર વેપારી હિતેશ વાળંદની ભાળ મેળવવા માટે પોલીસ વિવિધ ટીમો બનાવી હતી. બીજી તરફ હિતેશભાઈનો ફોન પણ સ્વિચ ઓફ આવતો હતો. દરમિયાનમાં હિતેશભાઈએ ગઈકાલે એટીએમમાંથી રૂા.૧૦ હજાર ઉપાડયા હતા અને ફોન ચાલુ કરીને ગામના લોકોને કાલે પરત આવું છું તેમ જણાવતાં જ ગુમ થનાર વેપારીના મોબાઈલનું લોકેશન પોલીસને જણાયું હતું. આજે હિતેશભાઈ કરજણ ખાતે હેમખેમ પરત આવતાં તેમના પરિવારજનો અને પોલીસે રાહત લીધી હતી.

પોલીસે હિતેશભાઈની પૂછપરછ શરૂ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં હિતેશભાઈ ઘર છોડીને ખાનગી વાહનમાં બેસી આણંદ જિલ્લાના ફાગવેલ ગામ ખાતે આવેલા એક ધાર્મિક સ્થળે ગયા હતા અને છેલ્લા ચાર દિવસથી ત્યાં જ રોકાયા હતા. પોલીસે વેપારીને કેટલાક સવાલો કર્યા હતા. જેમાં કયા કારણોસર આ નોટ લખી હતી? તમે શું આર્થિક ભીંસમાં હતા કે કેમ? તમારી પાસે કોણ પઠાણી ઉઘરાણી કરતું હતું? શું તમે નાણાં વ્યાજે લીધા હતા? કે ઉછીના લીધા હતા? આ પગલું ભરવા પાછળના કારણો જાણવા માટે પોલીસે વેપારીની પૂછપરછ ચાલુ રાખી છે. બીજી તરફ આ પ્રકરણમાં હાલ ૧૨ પૈકીના ૪ શખ્સોની પોલીસે પૂછપરછ કરી છે.