દિલ્હી-

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે કેફીદ્રવ્યોની હેરાફેરી કરતા કે એનું ગેરકાયદે ઉત્પાદન કરતા 20 દેશની યાદી બનાવી છે અને એમાં ભારતનો પણ સમાવેશ કર્યો છે. ‘ભારત ગેરકાયદે ડ્રગ્સ બનાવતો દેશ છે,’ એવું કહેવાની સાથે ટ્રમ્પે ભારપૂર્વક કહ્યું હતું કે તેમનું વહીવટીતંત્ર નશીલા પદાર્થોની હેરાફેરી તથા ઉત્પાદન કરવાનો ગુનો આચરતી સંસ્થાઓ સામે અભૂતપૂર્વ સ્તરે લડી રહ્યું છે.’

ટ્રમ્પે નશીલી દવા બનાવતા અને એની હેરાફેરી કરતા જે દેશોના નામ આપ્યા છે એમાં ભારત ઉપરાંત અફઘાનિસ્તાન, બહામા, બેલિઝ, બર્મા, કોલમ્બિયા, કોસ્ટા રિકા અને ડોમિનિક રિપબ્લિકનો સમાવેશ છે. ટ્રમ્પે પ્રમુખપદેથી કરેલા પ્રવચનમાં એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે બોલિવિયા તેમ જ નિકોલસ મૅડુરોના શાસન હેઠળનો વેનેઝુએલા દેશ છેલ્લા ૧૨ મહિના દરમિયાન નારકોટિક્સ-વિરોધી કરાર હેઠળની જવાબદારીઓને વળગી રહેવામાં નિષ્ફળ રહ્યો છે.

ટ્રમ્પે એવું પણ કહ્યું હતું કે ‘અમે આ જે ૨૦ દેશના નામ આપ્યા છે એ યાદી આ દેશોની સરકારના નારકોટિક્સ-વિરોધી પ્રયાસો કે અમેરિકા સાથેના એના સહકારના સ્તરનું પ્રતિબિંબ ન ગણી શકાય.’ ટ્રમ્પે એવો આક્ષેપ કર્યો હતો કે ‘ધરતીના આ અર્ધ ભાગમાં વેનેઝુએલાના સરમુખત્યાર નિકોલસ મૅડુરો કેન્દ્રસ્થાને છે. કોલમ્બિયાની સરકારની અને એના પોલીસ તથા સૈનિકોની અમેરિકા સાથે બહુ સારી મિત્રતા છે, પરંતુ કૉલમ્બિયામાં કોકા તથા કોકેઇનનું જે ઉત્પાદન થાય છે એ અમને જરાય સ્વીકાર્ય નથી.’ 

આ કેફી પદાર્થોના ઉત્પાદન સંદર્ભમાં ટ્રમ્પે મિત્રદેશ પેરુનો પણ ઉલ્લેખ કર્યો હતો, પરંતુ એવું પણ કહ્યું હતું કે પેરુની સરકાર દેશમાંના તમામ પ્રકારના ડ્રગ્સના વેપારને કાબૂમાં લેવા અવિરત લડત ચલાવી રહી છે. ટ્રમ્પે પાડોશી રાષ્ટ્ર મેક્સિકોનું નામ લેતા કહ્યું હતું કે મેક્સિકોની સરકારે પોતાને ત્યાં ફેન્ટેનાઇલના ઉત્પાદનને કાબૂમાં લેવું જ પડશે.