વડોદરા,તા.૪  

વડોદરા મહાનગર પાલિકાના પાણી પુરવઠા ખાતા હસ્તકના નિમેટા પ્લાન્ટના ઇજારદાર દ્વારા પાલિકાનું નાક દબાવવાને માટે કામદારોના પગારોમાં વિલંબ કરીને હેરાનપરેશાન કરવામાં આવી રહયા છે. જેને લઈને નિમેટા પ્લાન્ટના કામદારોને પગારના પ્રશ્ને છાસવારે હડતાળનું શસ્ત્ર ઇજારદારની સામે ઉગામવું પડે છે.

આવીજ નિમેટા પ્લાન્ટના કામદારોની વધુ એક હડતાળ ચાલી રહી છે. જેનો ઉકેલ ઇજારદાર દ્વારા ન લવાતા પાલિકાને શહેરનો પાણી પુરવઠો જાળવી રાખવાને માટે પોતાના માણસો મુકવાની ફરજ પડી છે. આ પ્રશ્ને લાંબા સમયથી ચાલી રહેલા પગારના ધાંધિયાને લઈને પાંચમી નવેમ્બરના રોજ પાલિકાની ખંડેરાવ માર્કેટ સ્થિત મુખ્ય કચેરી ખાતે ઉગ્ર દેખાવો કરી આવેદનપત્ર આપનાર છે.

પાલિકા દ્વારા નિમેટા પ્લાન્ટના ઇજારદારને બમણા ભાવે ઈજારો આપવા છતાં ઇજારદાર દ્વારા અવારનવાર પાલિકાના તંત્રનું નાક દબાવવામાં આવે છે. પાલિકામાં કમિશ્નરના આદેશને પણ ઘોળીને પી જતા ઇજારદારની સામે તંત્ર પગલાં લેવામાં ધરાર નિષ્ફળ નીવડ્યું છે. એટલુંજ નહિ કોઈ અગમ્ય કારણસર પાલિકાના શાસકો, અધિકારીઓ સહીતનું તંત્ર ઇજારદારના ઈશારે નાચ નાચી રહ્યું છે. પરંતુ સંખ્યાબંધ ખામીઓ છતાં કોઈ એની સામે પગલાં લેવાની હિમ્મત કેમ કરતુ નથી એ પ્રશ્ન પાલિકામાં ચર્ચાઈ રહ્યો છે. જ્યાં સુધી નિમેટા પ્લાન્ટનો પ્રશ્ન છે. ત્યાં સુધી સામી દિવાળીએ કામદારોની હડતાળને લઈને સર્જાયેલ હોળીનો ઉકેલ પાલિકા દ્વારા ઇજારદારને નાણાં ચુકવવામાં આવશે ત્યારબાદ જ આવશે. એમ આંદોલનકારીઓ જણાવી રહયા છે. આ ઇજારદાર સ્થાનિક ન હોઈ નિમેટા પ્લાન્ટના કામદારો પણ એને લઈને મુંઝવણમાં મુકાયા છે. તેમજ આ પ્રશ્નનો કોઈ કાયમી ઉકેલ આવે એમ ઇચછી રહયા છે. આ કારણસર તેઓ ઇજારદારના ખાતામાંથી કોઈપણ પ્રકારે પાલિકા પગારની સીધી ચુકવણીની કોઈ વ્યવસ્થા ગોઠવે એવું ઇચછી રહ્યા છે. જોકે એ બાબત અસંભવ હોવાનું અધિકારીઓ જણાવી રહયા છે. ત્યારે ગુરુવારના રોજ પાલિકાના કમિશ્નરને મળનાર નિમેટા પ્લાન્ટના કર્મચારીઓના પગાર બાબતે પાલિકા કમિશ્નર શું ર્નિણય લે છે એના પર આગળની લડત આપવાનું નિમેટા પ્લાન્ટના કર્મચારીઓ વિચારી રહયા છે. હાલમાં તો પાલિકાના તંત્રને માટે નિમેટા પ્લાન્ટની સમસ્યામાં સાપે છછુન્દર ગળ્યા જેવી સ્થિતિ થવા પામી છે. આ કામદારોના પગારના પ્રશ્ને હંમેશા ઇજારદાર એમ કહીને હાથ ખંખેરી લે છે કે પાલિકા સમયસર નાણાં ચૂકવતી નથી. જેને લઈને પગારો કરવામાં વિલંબ થઇ રહ્યો છે. આ પ્રશ્ને પાલિકા અને ઇજારદાર સાથે રહીને સમસ્યાનો કાયમી ઉકેલ લાવે એમ કામદારો ઇચછી રહયા છે. જેથી તેઓને નિયમિત રીતે સમયસર પગાર મળે. તેમજ વારંવાર પગારને માટે કરવા પડતા આંદોલનનો અંત આવે.