અમદાવાદ-

રાજયમાં મહિલાઓ સુરક્ષિત હોવાની વાત કરવામાં આવે છે. પરંતુ મહિલાઓને રોડ પર એકલી અને નિરાધાર સમજી કેટલાક તત્વો તેનો લાભ ઉઠાવી બાદમાં તેને છોડી દે છે. શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ પતિના દારૂના વ્યસનના કારણે છૂટાછેડા આપી અને પાંચ વર્ષની દીકરી સાથે રહેતી હતી. ગુજરાન ચલાવવા તે કંપનીમાં કામ કરતી હતી, ત્યાં ૨૦ વર્ષીય યુવક પ્રેમ થયા બાદ લિવ ઇન રિલેશનશિપમાં રહેવા લાગી હતી. મહિલા ગર્ભવતી થતા પ્રેમી યુવક તેને મધ્યપ્રદેશ લઈ જઈ અમદાવાદ પરત આવ્યો હતો. બાદમાં 'મિત્રને મળીને આવું' કહીને ફરાર થઈ ગયો હતો. ૧૨ દિવસથી રોડ પર એકલી ફરતી મહિલાને એક વ્યક્તિએ પૈસા આપી બિભત્સ માગ કરી હતી. આખરે મહિલાએ અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ લેતા ટીમે તાત્કાલિક મદદે પહોંચી યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી અને આશ્રય ગૃહમાં મોકલી આપી હતી.

મહિલા હેલ્પલાઇન અભયમ ૧૮૧ને શહેરના પૂર્વના મેમ્કો વિસ્તારમાંથી એક મહિલાનો ફોન આવ્યો હતો કે, 'હું ૧૨ દિવસથી રોડ પર રહું છું અને રહેવા માટે ઘર નથી.' જેથી ટીમ તેમને આપેલા સરનામાં પર પહોંચી ગઈ હતી. મહિલાએ અભયમ ટીમના કાઉન્સેલરને જણાવ્યું હતું કે, પોતે લગ્ન કર્યા હતા અને બે સંતાન છે. પતિ દારૂ પીવાનો વ્યસની હોવાથી તેઓએ છૂટાછેડા લીધા હતા જેમાં દીકરો પતિ સાથે જ્યારે દીકરીને તેમણે રાખી હતી. છૂટાછેડા બાદ કંપનીમાં સાથે નોકરી કરતા મધ્યપ્રદેશના ૨૦ વર્ષના યુવક સાથે તેમને મિત્રતા થઈ હતી. પરંતુ પોતે ૩૨ અને યુવક ૨૦ વર્ષનો હોવાથી લગ્ન થઈ શકે તેમ ન હતા.જેથી બંને લિવ ઇન રિલેશનશિપમાં રહેવા લાગ્યા હતા. બંને વચ્ચે શારીરિક સંબંધો બન્યા હતા. જેમાં પરિણીતા ગર્ભવતી થઈ ગઈ હતી. બાદમાં યુવક તેને મધ્યપ્રદેશ ખાતે લઈ ગયો હતો. ત્યાંથી અમદાવાદ પરત આવ્યા હતા. અમદાવાદમાં ઉતર્યા બાદ હું મિત્રને મળીને આવું તમે રોડ પર બેસો એમ કહી જતો રહ્યો હતો અને પરત આવ્યો ન હતો. જેના પર ભરોસો અને ગર્ભવતી કરી ફરાર થઈ જનાર યુવક પરત ન આવતા દીકરી સાથે ૧૨ દિવસથી રોડ પર રહેવા લાગી હતી. પાંચ વર્ષની દીકરી સાથે ગર્ભવતી મહિલા એકલી રહેતી હોવાથી કેટલાય લોકોની તેના પર નજર બગડી હતી. એક વ્યક્તિએ મહિલાને પૈસા આપી અને સેક્સ માણવાની ઓફર કરી હતી. જેથી મહિલાએ તેને ભગાડી દીધો હતો. બે દિવસ પહેલા બાઇક સાથે અકસ્માત થતા તેમને ઇજા પણ થઈ હતી. મહિલા હેલ્પલાઇનની ટીમે તેની આપવીતી સાંભળીને પરિણીતાને તરછોડી દેનાર યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મહિલા હેલ્પલાઇને તેને આશ્રયગૃહમાં મોકલી આપ્યા હતા. આમ રખડતી મહિલાને હેલ્પલાઇનની ટીમે મદદ કરી હતી.