પાણીગેટ અને પંચમહાલ જિલ્લામાંથી ચોરીની બે બાઈક સાથે યુવક ઝડપાયો
06, નવેમ્બર 2020

વડોદરા, તા.૫ 

શહેરના પાણીગેટ તેમજ પંચમહાલ જિલ્લામાં બે સ્થળેથી બાઈકની ચોરી કરી તેને વેંચવા માટે ગ્રાહકની શોધમાં ફરતા ગઠિયાની વાડી પોલીસે ધરપકડ કરી તેની પાસેથી ચોરીની બે બાઈક કબજે કરી હતી.

વાડી પોલીસે પેટ્રોલીંગ દરમિયાન સોમાતળાવ બ્રિજની બાજુમાં આવેલા ગરનાળા પાસે શંકાસ્પદ હાલતમાં બાઈકચાલક ૪૫ વર્ષીય દયાશંકર ઉર્ફ શંકર દેવનારાયણ ચૈાધરી(સોમાતળાવ, લુહારવાસ,ડભોઈરોડ)ને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં તેની પાસેનું બાઈક ચોરીનું હોવાની જાણ થતાં પોલીસે તેની અટકાયત કરી તેની ઘનિષ્ટ પુછપરછ શરૂ કરી હતી. તપાસ દરમિયાન દયાશંકર રીઢો વાહનચોર હોવાની તેમજ તેણે પાણીગેટ પોલીસ મથક તેમજ પંચમહાલ જિલ્લાના શહેરા પોલીસ મથકની હદમાંથી બે બાઈક ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

આ વિગતોના પગલે પોલીસે તેની પાસેથી હીરો એચએફ ડિલક્સ અને હીરો હોન્ડા પેશન પ્રો બાઈક સહિત ૪૫ હજારની મત્તા કબજે કરી હતી. આ બનાવની વાડી પોલીસે પાણીગેટ અને શહેરા પોલીસને જાણ કરતા પાણીગેટ પોલીસે વાહનચોર દયાશંકરની ધરપકડની કામગીરી હાથ ધરી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution