ભોપાલ-

દેશમાં કોરોનાની સારવાર માટે રામબાણ ગણાતા રેમડેસિવિર ઈન્જેક્શનની ભારે અછત સર્જાઇ રહી છે. લોકોને એક ઈન્જેક્શન મેળવવા માટે પૈસા આપીને પણ આજીજીઓ કરવી પડી રહી છે. તેવા સમયે ભોપાલની હમીદિયા સરકારી હોસ્પિટલમાંથી ૮૦૦ રેમડેસિવિર ઈન્જેક્શન ચોરાઇ ગયા હોવાનો ખુલાસો થયો છે.

હવે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. જાણકારી પ્રમાણે આ ઈન્જેક્શનનો સ્ટોક તાજેતરમાં જ હોસ્પિટલમાં આવ્યો હતો. આ ચોરીમાં હોસ્પિટલના કર્મચારીઓની સંડોવણી હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દરમિયાન રાજ્ય સરકારે કહ્યુ છે કે, મધ્યપ્રદેશમાં સરકારી હોસ્પિટલોમાં અને ખાનગી હોસ્પિટલોમાં બેડની સંખ્યા વધારીને ૪૦૦૦૦ કરવામાંઆવી છે. જ્યારે કોંગ્રેસે સરકાર પર નિશાન સાધતા કહ્યુ છે કે, મધ્યપ્રદેશમાં દર્દીઓ વધી રહ્યા છે પણ હોસ્પિટલો પાસે બેડ, ઓક્સિજન અને ઈન્જેક્શન નથી. સરકાર યુદ્ધના ધોરણે કાર્યવાહી કરશે નહીં તો આવનારા દિવસો ભયાનક બની જશે.