મહુધા : મહુધાની પ્રાથમિક કુમાર શાળામાંથી શનિવારની રાત્રીના ૮ વાગ્યાની આસપાસ વરસાદનો ફાયદો ઉઠાવી ૨૭ હજાર ઉપરાંતની મત્તા ચોરાઇ જતાં શાળાના આચાર્યએ મહુધા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.મહુધાની પ્રાથમિક કુમાર શાળામાંથી શનિવારની રાત્રીનાં વરસાદનો ફાયદો ઉઠાવી ચોરોએ હાથ સફાઇ કરતાં ભારે ચકચાર મચી ગઇ છે. શાળાના મુખ્ય શિક્ષક ભગવાનસિંહ પરમારે શાળામા ચોરી મામલે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, કોઇ અજાણ્યાં ઇસમ દ્વારા ૨૧થી ૨૩ ઓગસ્ટ દરમિયાન શાળાના ઓરડાના તાળા ખોલી રૂ.૨૭,૨૫૦ની મત્તાની ચોરી કરવામાં આવી હતી. ઓફિસમાં મૂકેલું એસર કંપનીનું ડેસ્કટોપ તથા મોનિટર અને યુપીએસ બેટરી સહિતનો મુદ્દામાલ અજાણ્યાં ઇસમ દ્વારા ચોરી કરાયો હતો. બાજુના ઓરડામાં મુકેલ આધારકિટમાંથી લેપટોપ, કેનોન પ્રિન્ટર, તેમજ સ્પાઇક ગાર્ડ પણ ચોર ઉઠાવી ગયાં હતાં. અંદાજે ૬૦ હજાર ઉપરાંતના મુદ્દામાલની ચોરી થઇ હોવાની આશંકા સેવાઇ રહી છે, જ્યારે ૨૨ ઓગસ્ટની રાત્રીનાં ૮ વાગ્યાની આસ્પાસ બાજુની ક્ન્યાશાળાના સીસીટીવી ફૂટેજમાં એક અજાણ્યો યુવક કેદ થયો હતો. હાલ મહુધા પોલીસ દ્વારા અજાણ્યાં ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.