અમદાવાદ-

અમદાવાદ સહિત ગુજરાતભરમાં ગરમીમાં વધારાનો ક્રમ યથાવત્‌ રહ્યો છે અને ૧૧ શહેરમાં ૩૬ ડિગ્રીથી વધુ સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું છે. આજે ૩૯ ડિગ્રી સાથે કંડલામાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન ૩૬.૮ ડિગ્રી જ્યારે સરેરાશ લઘુતમ તાપમાન ૧૯.૧ ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગના અનુમાન અનુસાર આગામી ૧૧ માર્ચ સુધી અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રીની આસપાસ રહેશે. જાેકે, ૧૨ માર્ચથી ગરમીમાં વધારો થશે અને તાપમાન ૩૯ને પાર જવાની સંભાવના છે. અમદાવાદમાં ૩૦ માર્ચ ૨૦૧૯ના ૪૨.૨ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું, જે છેલ્લા ૧૦ વર્ષમાં માર્ચમાં નોંધાયેલું સૌથી ઊંચું તાપમાન છે.

રાજ્યમાંથી અન્યત્ર આજે જ્યાં વધુ ગરમી નોંધાઇ તેમાં ૩૮.૭ સાથે રાજકોટ, ૩૮.૫ સાથે સુરેન્દ્રનગર,૩૮ સાથે અમરેલી, ૩૭.૫ સાથે ડીસા, ૩૬.૬ સાથે વડોદરા,૩૬.૭ સાથે ભૂજ, ૩૬.૫ સાથે કેશોદ, ૩૬ સાથે સુરતનો સમાવેશ થાય છે. ગત રાત્રિએ ૧૩.૫ ડિગ્રી સાથે વલસાડમાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું.