ગુજરાતની આ નર્સે એકલા હાથે 1300થી વધુ સગર્ભાઓની કુદરતી પ્રસૂતિ કરાવી
19, એપ્રીલ 2021

પાલનપુર-

‘એક માતાના ઉદરમાંથી બાળક જન્મે ત્યારે માતા અને પરિવારજનો એ રડતાં બાળકનો પ્રથમ વખત ચહેરો જાેઇને હર્ષના આંસુ સારે છે. ત્યારે મને મારી ફરજ પ્રત્યે માન થાય છે કારણ કે ઇશ્વર જે બાળકને સર્જે છે તેને પૃથ્વી ઉપર અવતારવાનું કામ મને સોંપ્યું છે.’ આ શબ્દો છે. ખેડૂત પુત્રી અને પાલનપુર તાલુકાના ગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પરિચારિકા મધુબેન ચૌધરીના કે જેઓએ બનાસકાંઠામાં સૌથી વધુ ૧૩૪૯ બાળકોની કુદરતી પ્રસૂતિ કરાવી છે.

ગઢપંથકમાં વસવાટ કરતાં ગરીબ પરિવારો માટે મડાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતાં ફિમેલ હેલ્થ વર્કર મધુબેન રામજીભાઇ ચૌધરી દેવદૂત સમાન બની ગયા છે. મધુબેનને નાનપણથી લોકસેવા કરવાનો મનમાં ર્નિણય લીધો હતો. પિતાજીએ ઉચ્ચ અભ્યાસ કરાવી તેમનું સપનું પૂર્ણ કર્યુ. મધુબેને જણાવ્યું હતુ કે, ગઢમાં મારું પોસ્ટિંંગ થયું ત્યારે જાણ્યું કે, ગરીબ પરિવારોને ખાનગી હોસ્પિટલોમાં લૂંટાઈ રહ્યા છે. આથી સગર્ભા માતાઓની મુલાકાતો શરૂ કરી તેમને સરકારી દવાખાને વિનામૂલ્યે પ્રસુતિ માટે સમજાવ્યા પરિણામ એ મળ્યું કે, સાત વર્ષમાં મારા હાથે ૧૩૪૯ બાળકોનો કુદરતી જન્મ કરાવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ પ્રસૂતિ કરાવ્યાનો મને આનંદ છે. જે બદલ સામાજીક સંસ્થા દ્વારા મારું સન્માન પણ કરવામાં આવ્યું છે. મધુબેન ચૌધરી છેલ્લા સાત વર્ષમાં કરાવેલી પ્રસુતિઓમાં એકપણ માતા કે શિશુનું મૃત્યું થયું નથી જેને સૌથી મોટી ઉપલબ્ધિ ગણાવે છે. તેમના લગ્ન વડગામના ચંગવાડા ગામના એન્જિનિયર ભરતભાઇ સાથે થયા છે. તેમને એક પુત્રી ધૃતિ છે. પતિ પણ ડિલિવરી વખતે તેમ જ ઘરકામમાં મદદ કરે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution