રાજકોટ-

દેશના અલગ-અલગ રાજ્યોમાં મંગળવારે કોરોના વેક્સિનનો જથ્થો પહોચાડવામાં આવ્યો છે. ત્યારે આ કોરોના વેક્સિન પહોંચાડવામાં પણ રાજકોટની મહિલા પાયલોટનો મહત્વનો રોલ સામે આવ્યો છે. રાજકોટની પ્રથમ મહિલા પાયલોટનું બિરુદ મેળવનારી નિધી અઢિયા નામની યુવતીએ પુનાથી હૈદરાબાદ ખાતે વિમાન દ્વારા કોરોના વેક્સિનનો જથ્થો પહોંચાડ્યો છે. કોરોના વેક્સિનનો જથ્થો દેશના અલગ-અલગ રાજ્યોમાં પહોંચાડવામાં રાજકોટની યુવતીનું નામ ચર્ચામાં આવતા રાજકોટવાસીઓ પણ ગૌરવ અનુભવી રહ્યાં છે.

નિધી અઢિયા નામની યુવતીએ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. નિધિના પિતા રાજકોટ મનપાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યાં છે. તેમજ હાલ બીપીનભાઈ સોપ નામની પેઢીના સંચાલક પણ છે. બીપીનભાઈ પોતાની દીકરી દ્વારા જે કાર્ય કરવામાં આવ્યું છે તેનો ગૌરવ અનુભવી રહ્યા છે. ત્યારે મંગળવારે નિધીએ પુણેથી હૈદરાબાદ ખાતે કોરોના વેક્સિનનો જથ્થો પહોંચાડયો છે.

રાજકોટની નિધી અઢિયાએ વડોદરા અને અમદાવાદ એમ બન્ને જિલ્લાઓમાં અભ્યાસ કરીને પાયલોટની તાલીમ લીધી છે. જેમાં ધોરણ 12 પછી તેણે વડોદરા એમ.એસ.યુનિવર્સિટીમાં બીએસસી મેજર ઈન ફિઝિક્સ એન્ડ મેથ્સમાં પ્રવેશ મેળવ્યો હતો. તેમજ અહીં ફ્લાઈંગ કલબમાં 50 કલાકની પાયલોટની તાલીમ પણ તેણે મેળવી હતી. ત્યારબાદ અમદાવાદમાં પાયલોટની ટ્રેનિંગ લીધી હતી. આ સમયે તેને રાજકોટની પ્રથમ મહિલા પાયલોટનું બિરુદ મેળવ્યું હતું.