યુવકની યુવતીને ધમકી, ફરિયાદ પાછી ના લીધી તો રેપ કરીશ'..
28, મે 2021

અમદાવાદ-

સાબરમતી વિસ્તારમાં રહેતી તથા કોલેજમાં અભ્યાસ કરતી ૨૧ વર્ષીય યુવતીની કથિત છેડતી કરનારા શખ્સ સામે તેણે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ અરજી પાછી ખેંચી લેવા માટે આરોપી તથા તેના સાગરિતોએ યુવતીના ઘર ઉપર હુમલો કર્યો અને તોડફોડ કરી યુવતીના પરિવારજનોને માર માર્યો હતો. આ અંગે યુવતીએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ૧૫ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

સાબરમતીના છારાનગર ખાતે રહેતી ૨૧ વર્ષીય યુવતી કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે. તેના જ વિસ્તારમાં રહેતા દીપેશ ઉર્ફે હબો પ્રેમસિંહ નામના યુવકે તેની છેડતી કરતાં યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન સોમવારે રાત્રે આશરે નવ વાગ્યાના સુમારે દીપેશ યુવતીના ઘરની બહાર આવ્યો હતો અને પોતાના વિરુદ્ધ કરેલી અરજી પાછી ખેંચી લેવા ગાળાગાળી કરી હતી તેમજ ધમકી આપવા લાગ્યો હતો. આ સમયે યુવતીના પિતા તથા ભાઈ આવી જતાં દીપેશે તેમને પણ ગાળો બોલી હતી.

આ દરમિયાન દીપેશના પરિવારજનો તથા અન્ય સાગરીતો લાકડીઓ લઈને આવી ચઢ્યા હતા. તેમણે યુવતીના ભાઈ તથા પિતા પર હુમલો કર્યો હતો. આટલાથી ન અટકતાં પંદરથી વધુ લોકોના ટોળાએ યુવતીના ઘર પર પથ્થરમારો કર્યો હતો. જેના કારણે બારીના કાચ તથા ઘરના સરસામાનને વ્યાપક નુકસાન થયું હતું. મામલો થાળે પાડવા માટે યુવતીના કાકા ત્યાં આવી પહોંચ્યા હતા. તેમણે સમજાવાનો પ્રયાસ કરતાં દીપેશે યુવતી ફરિયાદ પાછી ના ખેંચે તો તેનો બળાત્કાર કરવાની ધમકી આપી હતી. આરોપીઓ દ્વારા કરાયેલા પથ્થરમારામાં મધ્યસ્થી કરાવા આવેલા કાકા, તેમનો નવ વર્ષનો પુત્ર તથા યુવતીની માતા સહિતના સભ્યોને ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution