વડોદરા : ક્રિકેટ રસીયાઓ આઇ.પી.એલ.ની મેચોની આતુરતા પૂર્વક રાહ જાેતા હોય છે અને મેચ શરૂ થતાં જ ટીવી સામે બધા કામ પડતા મૂકી ગોઠવાઇ જતાં હોય છે. એવી જ રીતે સટોડીયાઓ પણ મેચ શરૂ થતાં સટ્ટો રમવાનું શરૂ કરી દેતા હોય છે. છેલ્લા એક સપ્તાહના સમયમાં ૧૦ જેટલા દરોડા પોલીસે પાડી ઓનલાઇન દરોડા ઝડપી પાડ્યા છે. ગઇકાલે રાત્રીએ પણ પી.સી.બી.એ દરોડો પાડી ત્રણ ખાનદાન નબીરાઓને ઓનલાઇન સટ્ટો રમતા ઝડપી પાડ્યા હતા.  

નવાપુરા પોલીસ મથક વિસ્તારમાં આવેલ અલ્હાબાદ બેંક નજીક ગત રાત્રીએ રોયલ ચેલેન્જર અને દિલ્હી કેપિટલ વચ્ચે રમાનારી મેચમાં ઓનલાઇન સટ્ટો રમાતો હોવાની બાતમી પી.સી.બી.ના પી.આઇ. આર.સી. કાનમીયાને મળી હતી. જેના આધારે ટીમને દરોડો પાડવાની સૂચના આપવામાં આવી હતી.

જેના પગલે પી.સી.બી.ની ટીમે અલ્હાબાદ બેેંકની સામે જય સીયારામ ચાની લારી ઉપર બેસી જયેન્દ્ર ઉર્ફે જયુને રોયલ ચેલેન્જર અને દિલ્હી કેપિટલ વચ્ચેની મેચમાં થયેલી હારજીતનો હિસાબ કરતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો.એ સમયે જ હિસાબો કરવા આવેલા બે ગ્રાહકો મળી ત્રણ ઇસમો ભેગા મળી જુગારના પૈસાની હારજીતનો હિસાબ કરી રહ્યા હતા. આ ત્રણેય પાસેથી રોકડા રૂપિયા ૬૩,૦૦૦ તેમજ ત્રણ મોબાઇલ મળી કુલ ૯૩ હજારનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. પોલીસે ઝડપેલાઓમાં જયેન્દ્ર ઉર્ફે જયુ હેમંતભાઇ પટેલ રહે સીયાબાગ કડવા પટેલની વાડી નવાપુરા, નરેશભાઇ ચંદ્રકાંતભાઇ પટેલ રહે જુની કાછીયાપોળ, નવાપુરા, રાકેશભાઇ નવીનભાઇ શાહ રહે હાથીપોળ રાજમહેલ રોડનો સમાવેશ થાય છે. જ્યારે રાજા મુંબઇ ઉર્ફે ભુરીને ફરાર જાહેર કરવામાં આવ્યો છે.