09, ઓક્ટોબર 2020
વડોદરા, તા.૮
માણેજામાં પત્ની અને બાળક સાથે રહેતા યુવકે તેના મિત્રની તેમજ અન્ય એક પરિચિતની ત્રણ સગીર વયની પુત્રીઓને આઈસ્ક્રીમ અને ચોકલેટની લાલચ આપીને પોતાના ઘરે લઈ ગયા બાદ ત્રણેય કિશોરી પર સતત દોઢ વર્ષ સુધી બળાત્કાર કરી તેઓનું જાતિય શોષણ કર્યું હતું. પોલીસે બળાત્કારી યુવકની અટકાયત કરી હતી.
મુળ પશ્ચિમબંગાળનો વતની ૪૪ વર્ષીય રજનીકાન્ત ભીમચન્દ્ર મહાતો હાલમાં માણેજા વિસ્તારના એપાર્ટમેન્ટમાં પત્ની અને એક પુત્ર સાથે રહે છે તેમજ સિમેન્સ કંપનીમાં કોન્ટ્રાક્ટર પર સુપરવાઈઝર તરીકે ફરજ બજાવે છે. પરિણીત અને એક સંતાનનો પિતા હોવા છતાં હવસખોર રજનીકાન્તે તેના એપાર્ટમેન્ટમાં રહેતી માસુમ કિશોરી અને બાળાઓને તેના હવસનો શિકાર બનાવી હતી. ગત એપ્રિલ-૨૦૧૯માં રજનીકાન્તે એક ૧૨ વર્ષની કિશોરી તેમજ પોતાના મિત્રની ૮ અને ૬ વર્ષની પુત્રીઓને આઈસ્ક્રીમ અને ચોકલેટ અપાવવાની લાલચે પોતાના ઘરે એકલો હતો તે સમયે બોલાવી હતી અનેે તેઓને મોબાઈલ ફોનમાં અશ્લીલ ક્લિપિંગ બતાવી તેમજ ફોટા બતાવી તેઓની સાથે શારીરિક ચેડા શરૂ કર્યા હતા.
ત્યારબાદ અવારનવાર આ ત્રણેય કિશોરી અને બાળાઓને પોતાના ઘરે લઈ જઈ તેણે તેઓની પર બળાત્કાર ગુજાર્યો હતો. થોડાક સમય અગાઉ તેના જાતિય શોષણનો ભોગ બનતી ૧૨ વર્ષીય કિશોરીએ તેની હરકતનો વિરોધ કરી પોતાના ઘરે જાણ કરવાનું કહેતા જ રજનીકાન્તે તેનું મોંઢુ દબાવીને ધમકી આપી હતી કે આ વાત તું જાે તારી મમ્મીને કરીશ તો હું તેને જાનથી મારી નાખીશ. છેલ્લા દોઢ વર્ષથી રજનીકાન્તની હવસનો શિકાર બની રહેલી બાર વર્ષીય કિશોરીએ તેના પરિવારજનોને જાણ કરતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. આ કિશોરીના પિતા તેને લઈને મકરપુરા પોલીસ મથકમાં જતા પોલીસે તુરંત રજનીકાન્તની અટકાયત કરી હતી. દરમિયાન તેણે એક નહી પરંતું ત્રણ કિશોરી-બાળાઓનું શોષણ કર્યાની વિગતો સપાટી પર આવતા પોલીસે તેની વિરુધ્ધ નવા બનેલા નિયમો મુજબ બળાત્કાર અને પોક્સો હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરી હતી. પોલીસે તેના કોરોના ટેસ્ટની તજવીજ શરૂ કરી છે અને ટેસ્ટના રિપોર્ટ બાદ તેની ધરપકડ કરાશે તેમ પોલીસે જણાવ્યું હતું.
ગુડ ટચ..બેડ ટચ..ની શિક્ષિકાએ માહિતી આપતા કિશોરી રડવા માંડી
કિશોરીઓ અને બાળાઓને ખાનગી તેમજ જાહેરસ્થળોએ થતી જાતિય સતામણીથી વાકેફ કરવા માટે શહેર પોલીસ તંત્ર દ્વારા લાંબા સમયથી ગુડ ટચ..બેડ ટચ..ના સુત્ર સાથે શિક્ષણ અપાઈ રહ્યું છે. કોઈ વ્યકિત જાે સ્પર્શ કરતી હોય તો કે કેવા ઈરાદે સ્પર્શ કરે છે તેની પણ સમજણ આપવામાં આવે છે. તાજેતરમાં આ કિસ્સામાં ૧૨ વર્ષની કિશોરીને તેમના એપાર્ટમેન્ટમાં રહેતી યુવાન શિક્ષિકાએ ગુડ ટચ..બેડ ટચ..ની માહિતી આપતા જ કિશોરી રડવા માંડી હતી. શિક્ષિકાએ તેને રડવાનું કારણ પુછતા તેણે જણાવ્યું હતું કે રજનીકાન્ત અંકલ તો તેને દોઢ વર્ષથી બેડ ટચ કરી ગુપ્તાંગો સાથે છેડછાડ કરી રહ્યા છે. તેની વાત સાંભળીને શિક્ષિકાએ કિશોરીના માતા-પિતાને વાકેફ કરતા રજનીકાન્તની કરતુતો સપાટી પર આવી હતી.