PM મોદીના આગમનને લઇને સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિતના પ્રવાસન સ્થળો 28 ઓક્ટોબરથી 5 દિવસ માટે બંધ રહેશે
18, ઓક્ટોબર 2021

નર્મદા-

ગુજરાતમાં નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી સામાન્ય પ્રવાસીઓ માટે બંધ રહેશે. 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી કેવડિયામાં પ્રવાસન સ્થળ બંધ રાખવાની સ્ટેચ્યૂ ઓફ યુનિટી તંત્રએ વેબસાઇટ પર નોટિસ મૂકીને સત્તાવાર જાહેરાત કરી છે. સરદાર વલ્લભભાઈ પટેલની 147મી જન્મજયંતિ પર ઉજવણી માટે આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે, 31 ઓક્ટોબરે, રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવશે. મળતી માહિતી મુજબ 30 ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડિયા પહોંચશે અને 30 ઓક્ટોબરના સાંજે નર્મદા આરતી કરી ઘાટનું લોકાર્પણ કરશે અને કેવડિયામાં રાત્રી રોકાણ કરશે. 

સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઉંચી પ્રતિમા જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ કેવડીયા પહોંચે છે. આ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સામાન્ય પ્રવાસીઓ માટે બંધ હોવાની માહિતી સ્ટેચ્યુના ચીફ એડમિનિસ્ટ્રેટરની ઓફિસ દ્વારા સત્તાવાર વેબસાઇટ પર બહાર પાડવામાં આવી છે. નોટીસમાં જણાવવામાં આવ્યું છે કે વલ્લભભાઈ પટેલની પ્રતિમા સાથે, તેને લગતા અન્ય આકર્ષણો પણ 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી સામાન્ય પ્રવાસીઓ માટે બંધ રહેશે. 

ગયા વર્ષે 31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી. 31 ઓક્ટોબર 2013 ના રોજ સરદાર પટેલના જન્મદિવસ નિમિત્તે ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વિશાળ પ્રતિમાના નિર્માણનો શિલાન્યાસ કર્યો હતો. ગયા વર્ષે 31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી.

 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution