રાજપીપળા, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળમાં સમાવિષ્ટ કેવડિયા વન વિભાગ હસ્તકનાં ગોરા રેન્જના પરિક્ષેત્ર વન અધિકારી વિરેન્દ્રસિંહ ઘરીયાને ગઈકાલે મોડી રાત્રે મળેલ બાતમી આધારે લાછરસ ગામે પ્રજા અને સ્ટાફ સાથે રેઇડ કરીને અણીજરાનાં ૨ વ્યક્તિઓને ૮૦ નંગ ખેરના લાકડા અને બોલેરો પિકઅપ સાથે ૨,૩૫,૦૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.

કેવડિયા ફોરેસ્ટ ડીવીઝનનાં નાયબ વન સંરક્ષક પ્રતીક પંડયાનાં માર્ગદર્શનમાં ગોરા રેન્જના પરિક્ષેત્ર વન અધિકારી વિરેન્દ્રસિંહ ઘરીયાએ બાતમી અનુસાર અણીજરા ગામનાં ભગવાનદાસ શંકર વસાવા અને દશરથ ભગવાન વસાવા ખેરનાં લાકડા ભરીને માંગરોળ ગામેથી સંખેડા મુકામે બોલેરો પિકઅપમાં ભરીને લઈ જતા હતા.વન વિભાગન વલ્લભભાઈ તડવી, પૃથ્વીરાજસિંહ ગોહિલ, મનોજ વસાવા, પરીમલસિંહ રણા, અશોકસિંહ ગોહિલની ટીમે લાછરસ ગામેથી સ્થાનિક પ્રજાનાં સાથ સહકારથી આરોપીઓને મુદામાલ સાથે પકડી પાડ્યા હતા. તપાસ હાથ ધરતા આરોપીઓએ વન વિભાગની આંખમાં ધૂળ નાંખવાનો પ્રયાસ કરીને બોલેરો પિકઅપમાં ઘાસ વચ્ચે ખેરનાં લાકડા છુપાવીને લઈ જતા હતા.આરોપીઓ પાસેથી ૮૦ નંગ ખેરનાં લાકડા જેની કિંમત ૮૫,૦૦૦ રૂપિયા અને ૧.૫૦ લાખની બોલેરો પિકઅપ મળી કુલ ૨.૩૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગેરકાયદે લાકડાંની હેરફેર સમગ્ર રાજ્યમાં થઇ રહી છે પરંતુ વન વિભાગ સતર્ક છે.