વડોદરા : આવશ્યક પુરવઠા કરતાં વડોદરાને ઓક્સિજનનો જથ્થો અપૂરતો મળતો હોવાના અમાનવીય સરકારી વલણનો આજે વડોદરા સર્કિટ હાઉસમાં ઊઠેલા વિરોધના સૂરના ગણતરીના કલાકોમાં મોડી સાંજે એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે એમ્બ્યુલન્સમાં આવેલા દર્દીઓમાં જે તે વોર્ડ સુધી લઈ જવા દરમિયાન સિલિન્ડર દ્વારા અપાતાં ઓક્સિજનની વ્યવસ્થા પડી ભાંગતાં ભારે રોષ અને ઊહાપોહ થયો હતો. જેના પગલે દોડી આવેલા ઓએસડી વિનોદ રાવે આ વ્યવસ્થા સરળતાથી ચાલતી રહે તે જાેવાની જવાબદારી ધરાવતા ઓપીડી વિભાગના વડા તબીબ અને એસ.એસ.જી. હોસ્પિટલના સુપ્રિન્ડેન્ટેન્ડને કારણદર્શક નોટિસ ફટકારવાના બનાવે સમગ્ર હોસ્પિટલ વર્તુળોમાં ઉત્તેજના ફેલાવી છે. વર્તમાન કોરોના સંકટ સામે લડી રહેલા કોરોના વોરિયર્સ એવા ઉચ્ચ તબીબી અધિકારીઓને નિષ્કાળજીના ખુલાસા પૂછવા સાથે કારણદર્શક નોટિસ અપાયાનો રાજ્યનો આ પ્રથમ બનાવ છે.

વડોદરાના ઓએસડી વિનોદ રાવે આ અંગે ‘લોકસત્તા-જનસત્તા’ સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, એમ્બ્યુલન્સમાંથી વોર્ડ સુધી લઈ જવા દરમિયાન સિલિન્ડર દ્વારા અપાતા ઓક્સિજનના બોટલો ખલાસ થઈ જતાં કલાકો સુધી દર્દીઓને એમ્બ્યુલન્સમાં જ રાખી મુકવા પડયા હતા. આ વ્યવસ્થાની જવાબદારી ધરાવતા ઓપીડીના હેડ તબીબ ડો. વસાવા અને એસ.એસ.જી. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રંજન ઐયરને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.

આ બનાવની ગંભીરતા એવી છે કે શ્વાસ લેવામાં તકલીફ જેવી જીવલેણ ફરિયાદો સાથે એમ્બ્યુલન્સમાં લવાતા દર્દીઓને એસ.એસ.જી. હોસ્પિટલના પ્રાંગણમાંથી અંદર વોર્ડ સુધી લઈ જવા દરમિયાન જરૂ

રી ઓક્સિજન સિલિન્ડર જ ન હોવાને કારણે આવા ગંભીર દર્દીઓને એમ્બ્યુલન્સમાં જ કલાકો સુધી રાખી મુકવા પડયા હતા. ઘણા કિસ્સાઓમાં ઓ ચાર-ચાર કલાકથી આવા દર્દીઓ એમ્બ્યુલન્સમાં પડી રહ્યા હતા. આ કારણસર અન્ય દર્દીઓ માટે મોકલવી જરૂરી હોવા છતાં આવી સેંકડો એમ્બ્યુલન્સો એસ.એસ.જી. હોસ્પિટલના પ્રાંગણમાં જ અટકી પડી હતી. જેના કારણે અન્ય ગંભીર દર્દીઓને લેવા આ એમ્બ્યુલન્સ મોકલી શકાઈ નહીં. આ ગંભીર પરિસ્થિતિની જાણ થતાં જ દોડી આવેલા ઓએસડી વિનોદ રાવે ઓપીડીના વડા ડો. વસાવા અને સુપ્રિ. ડો. રંજન ઐયરનો જાહેરમાં ઉધડો લીધો હતો તથા જરૂરી સિલિન્ડરની અછતની સ્થિતિ માટે તેમને જવાબદાર ઠેરવી માનવજીવન માટેની બેદરકારીમાં ખપાવી આ બંને તબીબી વડાઓને કારણદર્શક નોટિસ ફટકારી હતી. દરમિયાન ત્યાં દર્દીઓ સાથે મુકી રખાયેલી અનેક એમ્બ્યુલન્સોને શહેરની ગોત્રી સહિતની અન્ય હોસ્પિટલો તરફ રવાના કરી જે તે દર્દીઓને સમયસર સારવાર મળે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી.

છેલ્લા લગભગ એક વર્ષથી ખડેપગે કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવી રહેલા તબીબો તથા પેરામેડિકલ સ્ટાફ અને ચોથા વર્ગના કર્મચારીઓ સુધીનાની અવિરત મહેનત છતાં આજે સર્જાયેલી આ ગંભીર સ્થિતિને કારણે જવાબદાર અધિકારીઓને નોટિસ આપવાની નોબત આવી પડી હતી. જે અંગે સમગ્ર તબીબી વર્તુળોમાં ભારે વ્યાપક ચર્ચા અને તેમની આટલી મહેનત છતાં લેવાતા આકરાં પગલાં અંગે રોષની લાગણી ફેલાઈ હોવાનું ચિત્ર ઉપસ્યું છે.

અફવાએ ઉત્તેજના અને રોષ ફેલાવ્યો

પ્રાથમિક તબક્કે એવી અફવા ઊડી હતી કે એસ.એસ.જી. હોસ્પિટલમાં ઈન્ડોર પેશન્ટ તરીકે સારવાર લઈ રહેલા સેંકડો કોરોના દર્દીઓને અપાતો ઓક્સિજનો જથ્થો ખલાસ થઈ ગયો છે. આ અફવાના પગલે દર્દીઓ અને તેમના સંબંધીઓ ભારે હાંફળા-ફાંફળા થઈ ગયા હતા. આ અફવાથી સમગ્ર શહેરમાં પણ ઉત્તેજના ફેલાઈ હતી. જાે કે, થોડી જ વારમાં સ્પષ્ટ થયું હતું કે, વોર્ડમાં સપ્લાય થતા ઓક્સિજનના જથ્થામાં કોઈ મુશ્કેલી નથી, પરંતુ બહારથી એમ્બ્યુલન્સમાં લવાયેલા દર્દીઓને કામચલાઉ ઓક્સિજન પૂરો પાડવા જરૂરી ઓક્સિજન સિલિન્ડરનો જથ્થો ખલાસ થઈ ગયો છે. આ સમાચાર બાદ ઈન્ડોર પેશન્ટ્‌સ અને તેમના સંબંધીઓને રાહત મળી હતી.

મેડિકલ સ્ટાફમાં છુપો રોષ ફેલાયો

ખડેપગે છેલ્લા એક વર્ષથી કોરોના સામે લડી રહેલા સરકારી હોસ્પિટલના તમામ સ્તરના કર્મચારીઓ આજે બે તબીબી વડાઓને અપાયેલી કારણદર્શક નોટિસથી હેબતાઈ ગયા હોવાનું અને તેમનામાં છૂપો રોષ ફેલાયો હોવાનું આંતરિક સૂત્રોએ જણાવ્યું છે. હાલ પરિસ્થિતિ એવી છે કે જાે સરકાર કે કોઈ ઉચ્ચ અધિકારી દ્વારા આવા કોઈ જરૂરી હોવા છતાં લેવાયેલા પગલાંની સામે જાે હોસ્પિટલના કર્મચારીઓ સંગઠિત થઈ અસહકારનું વલણ અપનાવે તો કોરોનાની આ વિકટ સ્થિતિમાં શહેરનું સરકારી આરોગ્ય માળખું પડી ભાંગે અને અકલ્પનીય સંજાેગો નિર્માણ થાય એમ છે.