20, સપ્ટેમ્બર 2024
શહેરા |
શહેરા વન વિભાગના આર.એફ. ઓ રોહિત પટેલને મળેલી માહિતીના આધારે ટીમ્બા પાટીયા ચોકડી નજીકથી ગેરકાયદે પંચરાઉ લાકડાં ભરેલ બે વાહનો પકડાયા હતા.વન વિભાગની કાર્યવાહીના પગલે બે નંબરી લાકડાની હેરાફેરી કરતા લાકડાના વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.
શહેરા તાલુકા વન અધિકારી આર.વી.પટેલને બે લાકડા ભરેલી ગાડી નીકળવા ની હોવાની ખાનગી રાહે માહિતી મળતા વન વિભાગ ની ટીમ તાલુકામાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. શુક્રવારની વહેલી પરોઢે ખાંડીયા રાઉન્ડ ફોરેસ્ટર આર.એસ.ચૌહાણ,શહેરા રાઉન્ડ ફોરેસ્ટર એસ.બી.માલીવાડ, જી.ટી.પરમાર , સી.સી.પટેલ તેમજ કે.એન.ખાંટ સહિતની ટીમ શહેરા-કાંકણપુર રોડ ઉપર પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. ટીમ્બા પાટીયા ચોકડી પરથી લીલા પંચરાઉ લાકડાં ભરીને પસાર થતી બે ટ્રક નંબર જીજે ૧૭ એક્સ ૫૩૩૮ અને જીજે ૧૬ ટી ૯૪૧૭ ને રોકી ચાલક પાસે ટ્રકમાં ભરેલ લાકડા અંગે પાસ પરમીટ માંગતા ચાલકે પાસ પરમીટ રજૂ નહી કરતા બન્ને ટ્રકમાં ભરેલ લાકડા ગેરકાયદે વાહતુક કરાતા હોવાનું સામે આવ્યુ હતુ, વનવિભાગની ટીમે લીલા પંચરાઉ લાકડાં ભરેલ બંને ટ્રકને વન વિભાગની કચેરી ખાતે લાવીને રૂપિયા ૧૧ લાખનો મુદ્દામાલ કબજે લઈને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.